<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

કાલાવડના ગેરેજ સંચાલક નરેશભાઇને વ્‍યાજ માટે ધમકી મળતાં એસિડ પીધું

ઇકો કાર લેવા છ લાખ લીધા હતાં તેની સામે ૯ લાખ માંગે છેઃ વારેઘડીએ ઘરેથી લઇ જઇ પાછો મુકી જાય છેઃ કંટાળીને પગલું: રાજકોટ સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૯: કાલાવડમાં રહેતાં ગેરેજ સંચાલકે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં હેરાન કરવામાં આવતો હોવાથી આ પગલુ ભર્યાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડમાં પંચાયત ઓફિસ સામે રહેતાં નરેશભાઇ જીવરાજભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ રાતે નવેક વાગ્‍યે એસિડ પી જતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને કરી હતી.

નરેશભાઇના કહેવા મુજબ તે છ ભાઇમાં નાના છે અને ગેરેજ ચલાવે છે. સંતાનમાં એક દિકરી છે. થોડા સયમ પહેલા તેને ઇકો કાર લેવી હોઇ તેના માટે છ લાખ રૂપિયા વ્‍યાજે લીધા હતાં. આ માટે તેણે નિયમીત વ્‍યાજ ભર્યુ હતું.

હવે વ્‍યાજ સહિત નવ લાખની માંગણી કરી હેરાન કરવામાં આવે. વારેઘડીએ ઘરેથી લઇ જઇ નીકાવા સહિતના સ્‍થળોએ લઇ જઇ પછી પરત મુકી જવામાં આવે છે. સતત હેરાનગતીથી કંટાળીને પોતે એસિડ પી ગયા હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(1:18 PM IST)