News of Sunday, 16th August 2026
કાલાવડના તેજસ્વી તારલા સમાન પીએસઆઈ કે.બી. વાઘેલાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનપત્ર એનાયત
મહીસાગર સાયબર ક્રાઈમમાં ટેકનિકલ તપાસ દ્વારા આંતરરાજ્ય ગુનેગારોને ઝડપી પાડનાર પોલીસ અધિકારીનું ગૌરવવંતુ બુધવારે સન્માન

લુણાવાડા: મૂળ જામનગર જિલ્લાના કાલાવડના વતની અને હાલ લુણાવાડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રશંસનીય પીએસઆઈ કે.બી. વાઘેલાને તેમની ઉત્કૃષ્ટ તથા નિષ્ઠાપૂર્ણ કામગીરી બદલ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે વિશેષ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર કાલાવડ પંથક અને પોલીસ બેડામાં ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે.
સચીન આશરા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસન (IPS) અને જિલ્લા કલેક્ટર અર્પિત સાગર (IAS) દ્વારા સંયુક્ત રીતે પીએસઆઈ કે.બી. વાઘેલાની સરાહનીય સેવાનું બહુમાન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમના પેચીદા ગુનાઓને ઉકેલવા માટે તેમણે અપનાવેલી આધુનિક પદ્ધતિઓ અને સતર્કતાને સત્તાવાર રીતે બિરદાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએસઆઈ વાઘેલા દ્વારા અત્યાધુનિક ટેકનિકલ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને રાજસ્થાન, કેરળ, દિલ્હી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોમાં વિસ્તરેલા સાયબર નેટવર્કને ટ્રેક કરવામાં આવ્યું હતું અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૧૭ જેટલા કુખ્યાત આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.
ગુજરાત પોલીસમાં આ પ્રકારની પ્રશંસનીય અને ત્વરિત કામગીરીથી રાજ્યમાં સાયબર અપરાધો પર લગામ કસવામાં મોટી સફળતા મળી રહી છે. આગામી સમયમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા આંતરરાજ્ય ગેંગોના ખાતમા માટે વધુ સઘન અભિયાન ચલાવવામાં આવશે અને ટેકનોલોજીનો ઉપયોગ વધારીને નાગરિકોના ડિજિટલ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવાશે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
