<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ચોટીલા દર્શન કરવા આવેલા છોટાઉદેપુરના ૨૮ વર્ષિય યુવાન કલ્‍પેશ રાઠવાનું અકસ્‍માતમાં મોત

કેકે રેસ્‍ટોરન્‍ટ પાસે ઇનોવાએ કાર, બોલેરોને ઉલાળ્‍યા ત્‍યારે રસ્‍તો ઓળંગી રહેલો કલ્‍પેશ પણ ઠોકરે ચડી ગયો હતોઃ સારવાર દરમિયાન દમ તોડયો

રાજકોટ તા. ૨૯: ચોટીલામાં ટ્રીપલ અકસ્‍માત સર્જાતા છોટાઉદેપુરથી દર્શન કરવા આવેલા યુવાનને ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવારમાં મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. ચોટીલામાં કેકે રેસ્‍ટોરન્‍ટ પાસે આ બનાવ બન્‍યો હતો. જેમાં પાંચ લોકોને ઇજાઓ થઇ હતી. મૃત્‍યુ પામનાર યુવાન રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે વાહનોની ઠોકરે આવી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલામાં કેકે રેસ્‍ટોરન્‍ટ પાસે તા. ૨૪ના રોજ છોટાઉદેપુરના ભાટલીયા ગામનો કલ્‍પેશભાઇ ભીમસિંગભાઇ રાઠવા (ઉ.વ.૨૭) રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે ઇનોવા, બોલેરો અને વર્ના કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા તે પણ વાહનની ઠોકરે આવી ગયો હતો. આ અકસ્‍માતમાં કલ્‍પેશભાઇ તથા બીજા ચાર લોકોને ઇજાઓ થઇ હતી. કલ્‍પેશભાઇનું સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

મૃત્‍યુ પામનાર કલ્‍પેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તે છુટક મજુરી કરતાં હતાં અને સંતાનમાં એક દિકરો છે. પોતે ચોટીલા દર્શન કરવા આવ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. ચોટીલાના અહેવાલ મુજબ બનાવને દિવસે ચોટીલા પોલીસે ઇનોવા કારના ચાલક પોરબંદરના સંતોષગીરી ગોસ્‍વામી સામે બોલેરો ચાલક વાસુદેવસિંહ વનરાજસિંહ રાણા (રહે. ગેડી તા. લીંબડી)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો. ઇનોવાની ઠોકરે  બોલેરો પીકઅપ અને વર્ના કાર પણ ચડી જતાં અકસ્‍માત સર્જાયો હતો. જેમાં પગપાળા રસ્‍તો ઓળંગી રહેલા કલ્‍પેશભાઇ રાઠવા પણ ઠોકરે આવી ગયા હતાં. કારમાં બેઠેલા ઋષીકેશભાઇ પંચાલ, નીધીબેન ચાવડા, આરતીબેન પરમારને પણ ઇજાઓ થઇ હતી.

(1:17 PM IST)