News of Friday, 1st May 2026
સુત્રાપાડામાં ‘કેસરીયો' લહેરાયો ૨૪માંથી ૨૪ બેઠકોઃ ભાજપે રચ્યો ઈતિહાસ
૧૯૮૮ પછી પ્રથમ વાર ૧૦૦ ટકા બેઠકો સાથે ક્લીન સ્વીપઃ વોર્ડ નંબર ૫માં અજયભાઈ બારડની પેનલ ૧૩૫૦થી વધુ મતોની સરસાઈથી વિજેતા

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડાઃ તા.૧, ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમા નવો સૂર્યોદય થયો છે. સુત્રાપાડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેના મજબૂત સંગઠન અને વિકાસકાર્યોના દમ પર નગરપાલિકાની તમામ ૨૪માંથી ૨૪ બેઠકો પર વિજય ધ્વજ લહેરાવીને વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોનું અસ્તિત્વ મિટાવી દીધું છે. સુત્રાપાડાના ઈતિહાસમાં ૧૯૮૮થી આ પ્રથમ એવી ક્ષણ છે જ્યારે કોઈ પક્ષે ૧૦૦ ટકા બેઠકો સાથે ક્લીન સ્વીપ કર્યું હોય.
ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે સુત્રાપાડાની જનતાએ આ વખતે જ્ઞાતિવાદ કે નકારાત્મક રાજનીતિને ફગાવી દઈને માત્ર ‘વિકાસની રાજનીતિ' પર મહોર મારી છે. ખાસ કરીને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારોને જનતાએ ઉમળકાભેર વધાવ્યા છે. ચૂંટણીના સૌથી વધુ ચર્ચિત પરિણામોમાં વોર્ડ ૧થી ૬માં વોર્ડ નંબર ૫ મોખરે રહ્યો છે. અહીં ભાજપના દિગ્ગજ ઉમેદવાર અજયભાઈ બારડ અને તેની પેનલે ૧૩૫૦થી વધુ મતોની જંગી સરસાઈ મેળવીને નવો કિર્તિમાન સ્થાપ્યો છે. આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોની એટલી કારમી હાર થઈ છે કે તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શકયા નથી, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે પોતાના વર્ષોના અનુભવથી ચૂંટણીની ગણતરીપૂર્વક વ્યૂહરચના ઘડી હતી. તેમનું માર્ગદર્શન કાર્યકરો માટે ઉર્જાસ્ત્રોત બન્યું હતું. ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લા પ્રભારી યુવા નેતા દિલીપભાઈ બારડે આક્રમક કાર્યશૈલી અને દરેક વોર્ડમાં ‘માઇક્રો પ્લાનિંગ' દ્વારા ચૂંટણીની કમાન સંભાળી હતી.
દિલીપભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી, શહેર સંગઠનની ટીમ અને જિલ્લા સંગઠનના માર્ગદર્શન હેઠળ ભાજપે જે આધુનિક સુત્રાપાડાનું સપનું જોયું છે, તેને હવે સાકાર કરવાનો સમય પાકી ગયો છે. પરિણામો જાહેર થતા જ સમગ્ર સુત્રાપાડા પંથક કેસરીયા રંગે રંગાયું હતું. વિજય સરઘસમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દિલીપભાઈ બારડે આ જનાદેશને ‘જનતાનો પવિત્ર આદેશ' ગણાવીને તમામ મતદારો, યુવાનો અને વિવિધ સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
