<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

કાર સળગતાં મહિલા સહિત 3 લોકો જીવતા ભૂંજાયા : કારમાંથી ફંગોળાયેલી યુવતીનો ચમત્કારિક બચાવ : જુનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર ગમખ્વાર અકસ્માત

ખમીદાણા ગામ નજીક પૂરપાટ જતી કાર પલટી માર્યા બાદ ભડભડ સળગી ઉઠી : ડેનિસ ધીરૂભાઈ દિવરાણીયા, નંદનીબેન હિરેનભાઈ પોપટ અને જલકભાઈ સંજયભાઈ મશરૂના ઘટનાસ્થળે જ મોત : બહાર ફંગોળાયેલા ક્રિષ્નાબેન રમેશભાઈ ચુડાસમાનો બચાવ : કેશોદ સિવિલમાં સારવાર હેઠળ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. 22 : કેશોદના બાલાગામ રોડ પર રવિવારે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠતા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, ત્યારે એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે. તેને હાલ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ કરુણ ઘટનાએ સમગ્ર કેશોદ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

 

કેવી રીતે સર્જાયો અકસ્માત 

 

કેશોદ-બાલાગામ રોડ પર ખમીદાણા ગામ નજીક પૂરપાટ જતી એક કાર પલટી માર્યા બાદ ભડભડ સળગી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ, કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. પલટી મારતાની સાથે જ કારમાં આગ લાગી હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ હતી.

આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. આ દરમિયાન કારમાં સવાર એક મહિલા અકસ્માતના આંચકાથી કારમાંથી બહાર ફંગોળાઈ ગઈ હતી, જેના કારણે તેનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં સાર્થક થઈ છે.

 

 

કોણ કોણ મૃત્યુ પામ્યું 

 

 

 

સળગતી કારમાં સવાર 3 લોકો આગની લપેટમાં આવતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતક વ્યક્તિઓમાં 1. ડેનિસ ધીરૂભાઈ દિવરાણીયા, 2. નંદનીબેન હિરેનભાઈ પોપટ અને 3. જલકભાઈ સંજયભાઈ મશરૂનો સમાવેશ થાય છે. ત્રણેય કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

 

 

 

બચી ગયેલી મહિલા કોણ 

 

 

 

ત્યારે એક મહિલા હાલ સારવાર લઈ રહી છે, તેનું નામ ક્રિષ્નાબેન રમેશભાઈ ચુડાસમા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સમયે તે કારમાંથી બહાર ફંગોળાઈ જવાથી તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. તેને તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તેની હાલત અંગે હજુ સત્તાવાર વિગતો મળી નથી, પરંતુ તે હાલ સારવાર હેઠળ છે.

 

 

 

 

ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા, પણ આગ પાસે જઈ શકાયા નહીં 

 

 

 

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કોઈ કારની નજીક જઈ શક્યું ન હતું. લોકો દૂર ઊભા રહીને લાચારીથી જોતા રહ્યા હતા. થોડી જ વારમાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

 

 

 

ફાયર બ્રિગેડ અને પોલીસની કાર્યવાહી 

 

 

 

ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. બચી ગયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

 

 

 

અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ 

 

 

 

અકસ્માત કયા કારણોસર સર્જાયો, કાર કોઈ વાહન સાથે અથડાઈ હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કે ટાયર ફાટ્યું હતું, તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

 

 

 

પંથકમાં શોકનું મોજું 

 

 

આ કરુણ ઘટનાએ સમગ્ર કેશોદ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. એક સાથે ત્રણ યુવાનોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સવાર સવારમાં આવી દુર્ઘટનાના સમાચાર મળતા લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

(12:07 PM IST)