<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

કેશોદના વેપારીએ વ્‍યાજે લીધેલા ૧૩ લાખના ૩૫ લાખ ચૂકવ્‍યા છતાં ધમકી

હાંડલા ગામના શખ્‍સે દુકાને જઈ માર માર્યો, પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: કેશોદના વેપારીએ વ્‍યાજે લીધેલા ૧૩ લાખના ૩૫ લાખ ચૂકવ્‍યા છતાં હાંડલા ગામના શખ્‍સે દુકાને જઈ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે કેશોદમાં નહેરુ નગરમાં રહેતા વેપારી વિપુલભાઇ બાબુભાઇ રૂપાવટીયા ઉ.વ. ૪૩ને કેશોદ તાલુકાના હાંડલા ગામના દીનેશ ટપુ ડાંગર પાસે નાણા ધીરનાર અંગેનું લાયસન્‍સ ન હોવા છતાં આશરે દશેક વર્ષ પહેલાં રૂપિયા ૧૩ લાખ માસીક ૩ ટકા લેખે વ્‍યાજે  આપ્‍યા હતા.

વેપારીએ  આજદીન સુધી સમયસર વ્‍યાજના રૂપીયા ૩૨ થી ૩૫ લાખ ચુકવ્‍યા હતા. છતાં પણ વિપુલભાઇ બાબુભાઇ રૂપાવટીયા પાસેથી મુળ રકમ તથા વધુ વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી કઢાવી લેવા માટે ગઈકાલે વ્‍યાજખોર દીનેશ ટપુ ડાંગર વેપારીની કેશોદમાં માંગરોળ રોડ પર આવેલ પુષ્ટી એજન્‍સી નામની દુકાને આવી  ગાળો બોલી, માર માર્યો હતો અને  વેપારી તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.

આ બનાવ અંગે વેપારીએ રાત્રે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે વ્‍યાજખોર સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી

(12:11 PM IST)