હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેશોદમાં અધૂરા રોડના કામથી ખેતરો બન્યા બેટઃ વાવેતરનું ધોવાણઃ ખેડૂતો બન્યા
છેલ્લા ૪ વર્ષથી રસ્તાનું કામ ચાલે છે ! તંત્રની બેદરકારીથી જગતાતને પડી મુશ્કેલીઃ વળતરની માંગ

જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં વરસાદ પડતાં જ ખેડૂતો માટે ખુશીના બદલે આફતનો માહોલ સર્જાયો છે. ચોમાસાની શરૂઆતમાં થયેલા આ વરસાદ બાદ સ્થાનિક ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને અધૂરા રોડના કામના કારણે તેમના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને લીધે લાખો રૂપિયાનું મોંઘું બિયારણ વાવીને કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ધરતીપુત્રો ભારે ચિંતામાં ડૂબી ગયા છે.
સ્થાનિક ખેડૂતો અનિલ કોટડીયા અને પ્રકાશ કોટડીયાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી રોડ બનાવવાનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે અને હજુ સુધી તે અધૂરું છે. રોડની આસપાસ પાણીના નિકાલ માટે કોઈ પ્રોપર ગટર કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે, ઉપરવાસમાંથી આવતું બધું જ વરસાદી પાણી સીધું આજુબાજુના ખેતરોમાં ધસી આવ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં માત્ર વાવેતર કરેલો મોલ જ નથી ધોવાયો, પરંતુ ફળદ્રુપ જમીનનું ધોવાણ થતાં ખેતીલાયક જમીનને પણ કાયમી મોટું નુકસાન પહોંચ્યું છે.
આ ગંભીર નુકસાનીને પગલે કેશોદના નવનીત કોટડીયા સહિતના અન્ય ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સીઝનની શરૂઆતમાં જ મોંઘા ડાટ બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડતા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા છે. ભોગ બનેલા ધરતીપુત્રોએ સરકાર અને સ્થાનિક પ્રશાસન પાસે માંગ કરી છે કે, આ વિસ્તારમાં થયેલા નુકસાનનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને પીડિતોને યોગ્ય વળતર ચૂકવાય. સાથે જ, આ રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
