તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
કેશોદના સંશોધક અર્જુનભાઈ પાઘડારને મુંબઈમાં લિએન્ડર પેસના હસ્તે પ્રતિષ્ઠિત ‘લેગસી લીડર્સ' એવોર્ડ
સ્વર્ગારોહણ ભઠ્ઠીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ : કિશોર અવસ્થાથી શરૂ થયેલ સંશોધન યાત્રાનું પરિણામ ૩૯ વર્ષે મળ્યું: બનાવવામાં આવેલ ખાસ પ્રકારની ભઠ્ઠીના કારણે દહન ક્રિયા માટે ૩૦૦ થી ૪૦૦ કિલો લાકડાના બદલે માત્ર ૬૦ થી ૭૦ કિલો લાકડાની જરૂરઃ દેશના જુદા જુદા રાજ્યોમાં ૧૦૦ જેટલા સ્થળોએ સ્વર્ગારોહણ ભઠ્ઠી કાર્યરત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૩૦: પનોતા પુત્ર, સંશોધક અને સ્વર્ગારોહણ ક્લાઇમેટ ફ્રેન્ડલી ક્રિમેશન સિસ્ટમના પ્રણેતા શ્રી અર્જુનભાઈ મોહનલાલ પાઘડારને તેમના દાયકાઓના સંશોધન, નવીનતા અને સમાજ તથા પર્યાવરણ પ્રત્યેના યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘લેગસી લીડર્સ એવોર્ડ-૨૦૨૬' થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ પ્રાપ્ત કરી કેશોદ ખાતે પરત ફરેલ અર્જુનભાઈને એરપોર્ટ પર ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સત્કારી, અભિનંદન પાઠવેલા હતા.
આ એવોર્ડ સમારોહ ગત તારીખ ૨૩ ઓક્ટોબરના રોજ મફતલાલ ગ્રુપ દ્વારાનેટવર્ક ૧૮ના સહયોગથી મુંબઈ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અર્જુનભાઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી પ્રતિભાશાળી વ્યક્તિઓની નોંધ અને પસંદગીના ભાગરૂપે યોજાતા આ કાર્યક્રમમાં અર્જુનભાઈને મળેલું સન્માન સમગ્ર કેશોદ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.
આ અંગે અર્જુનભાઈન પાઘડારના જણાવ્યા મુજબ સંશોધન યાત્રા કિશોરાવસ્થામાં શરૂ થઈ હતી. પરંપરાગત અંતિમ સંસ્કાર દરમિયાન એક તરફ લોકો વળક્ષની છાયામાં ઊભા રહેતા અને બીજી તરફ ચિતામાં મોટા પ્રમાણમાં લાકડાં વપરાતાં હોવાનો અનુભવ તેમના મનમાં ઊંડો પ્રશ્ન ઊભો કરી ગયો હતો શું ધાર્મિક પરંપરાઓ અને અંતિમ સંસ્કારની પવિત્રતા જાળવી રાખીને પ્રકૃતિનું પણ રક્ષણ કરી શકાય?
શ્રી પાઘડારે વધુમાં જણાવેલ હતું કે સ્વર્ગારોહણ આજે માત્ર એક સંશોધન પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ અનેક વિસ્તારોમાં ઉપયોગમાં લેવાતી વ્યવહારુ નવીનતા બની રહ્યું છે.
ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને દમણ સહિત દેશ વિવિધ રાજ્યો તથા વિસ્તારોમાં ૧૦૦થી વધુ સ્વર્ગારોહણ ભઠ્ઠીઓ કાર્યરત છે. નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, મંદિર ટ્રસ્ટો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
