તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 18th July 2026
ખાખી દાગીદાર બની! લાંચની રકમ સાથે ફિલ્મી ઢબે ભાગેલા PSIનું આખરે આત્મસમર્પણ, અદાલતે રિમાન્ડ ફગાવી જેલના સળિયા પાછળ ધકેલ્યા
લાંચના રૂ. ૪૦ હજાર અને કાર લઈને એસીબીને થાપ આપનાર વાયોરના તત્કાલીન પીએસઆઈ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ જેલહવાલે: કેમિકલવાળી નોટો શોધવા પોલીસ નિષ્ફળ, ઘરમાંથી કંઈ ન મળ્યું

ભુજ : ગુજરાત પોલીસની છબી ખરડાવતી અને કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનો જીવતો જાગતો પુરાવો આપતી એક સનસનાટીભર્યા કિસ્સામાં મોટો વળાંક આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમને ભરી બજારે હાથતાળી આપીને, લાંચની રકમ સાથે પોતાની કારમાં ફિલ્મી ઢબે નાસી છૂટેલા વાયોર પોલીસ મથકના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) ઈન્દ્રવિજયસિંહ ઉર્ફે ઈન્દુભા રાજેન્દ્રસિંહ ગોહિલે આખરે કાયદાના લાંબા હાથ સામે ઘૂંટણીયા ટેકી આત્મસમર્પણ કરી દીધું છે. જો કે, બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં એસીબી દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને અદાલતે ફગાવી દઈ ભ્રષ્ટ અધિકારીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
**એસીબીની ટ્રેપ જોઈ કાર ભગાવી હતી:**
આ હાઈપ્રોફાઈલ ભ્રષ્ટાચારના કેસની વિગતો મુજબ, વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે એક અરજદાર પાસે તેનું કામ કરી આપવાના અવેજ પેટે રૂ. ૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. અરજદારે આ અંગે ભુજ એસીબીનો સંપર્ક સાધતા એક આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. સરકારી પંચોની હાજરીમાં આરોપી પીએસઆઈએ અરજદારને પોતાની ખાનગી કારમાં બેસાડીને લાંચના ૪૦ હજાર રૂપિયા સ્વીકારી લીધા હતા. પરંતુ, એસીબીના અધિકારીઓ ત્રાટકે તે પહેલાં જ શાતિર પીએસઆઈને ટ્રેપની ગંધ આવી ગઈ હતી. જેથી તેણે સમય સૂચકતા વાપરીને લાંચની રકમ સાથે જ કાર હંકારી મૂકી હતી અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
**જેલના સળિયા પાછળ ધકેલાયા, નોટો હજુ ગાયબ:**
લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ કાનૂની સકંજો કસાતા અંતે પીએસઆઈએ સરન્ડર કરવું પડ્યું હતું. એસીબીએ ધરપકડ કરીને કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, આ ભ્રષ્ટ અધિકારી એટલો પાકો નીકળ્યો કે રિમાન્ડ દરમિયાન સતત પૂછપરછ છતાં તેણે પોતે કોઈ રકમ લીધી જ ન હોવાનું ગોખેલું રટણ ચાલુ રાખ્યું હતું. પોલીસની કડકાઈ છતાં તે પીગળ્યો ન હતો, જેના કારણે ખાસ રસાયણયુક્ત (એન્થ્રેસીન પાઉડરવાળી) ચલણી નોટો હજુ સુધી પોલીસ રિકવર કરી શકી નથી.
બે દિવસની પૂછપરછ પૂરી થતાં એસીબીની ટીમે આરોપી પીએસઆઈને ભુજની ખાસ અદાલતમાં રજૂ કર્યો હતો અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ અદાલતે સરકારી પક્ષની દલીલો ગ્રાહ્ય ન રાખી રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ ભેગો કરવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ, એજન્સી દ્વારા આરોપી પીએસઆઈના નિવાસસ્થાન અને બેંક લોકરની પણ ભારે તપાસ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક સંપત્તિ કે કાગળો હાથ લાગ્યા નથી. એક પોલીસ અધિકારી જ લાંચ લઈને ફરાર થઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
