તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 4th November 2026
ખંભાળિયાઃ કલ્યાણપુરમાં ગાંજાનું વાવેતર કરવાના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ તા.૪,કલ્યાણપુર તાલુકામા ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરનાર આરોપીને ખંભાળિયાની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ દ્વારા કુલ ૫ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.૨૦,૦૦૦/-નો દંડ ફટકારેલ છે.
આગુનાની ટુકમાં હકીકત એવી છે કે તા.૨૨/૦૮/૨૦૨૧ના રોજ એસ.ઓ.જી. પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે નગડીયા ગામની સીમમાં આરોપી લખમણભાઈ ઉર્ફે લખુભાઈ ઠેબાભાઈ નવઘણભાઈ ખીસ્તરીયા, ના માલિકી અને કબજા ભોગવટાવાળા ખેતરમાં આવેલ રહેણાંક મકાનના ફળિયામાં રેડ પાડવામાં આવેલ. આરોપીએ ગાંજાના કુલ ૪૭ લીલા છોડનું ગેરકાયદેસર વાવેતર કરેલું હોવાનું મળી આવ્યું હતું. જેનું કુલ વજન ૧૨.૩૬૧ કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ.૧,૨૩,૬૧૦/- હતી. આ ઉપરાંત ર૯૦ ગ્રામ સુકો ગાંજો, જેની કિંમત રૂ.૨,૯૦૦/- હતી, તે પણ મળી આવ્યો હતો. આમ, કુલ રૂ.૧,૨૬,૫૧૦/-નો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(બી). ૮(સી), ૨૦(એ) તથા ૨૦(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પંચનામા, સાહેદોના નિવેદનો, રેવન્યુ રેકર્ડ તથા એફ.એસ.એલ.ના પરીક્ષણ અહેવાલ સહિતના પુરાવાઓ એકત્રિત કરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
સદરહુ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ શ્રી બી.એસ. જાડેજાએ કોર્ટ સમક્ષ મૌખિક દલીલો કરી, આરોપીના કબજા ભોગવટાવાળી જગ્યામાંથી ગાંજાના છોડ તથા સુકો ગાંજો મળી આવ્યાની હકીકત, પંચનામા, સાક્ષીઓની જુબાની, રેવન્યુ રેકર્ડ અને એફ.એસ.એલ.ના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આરોપી વિરુદ્ધનો ગુનો સાબિત થતો હોવાનું રજૂઆત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલ બીજા એડીશનલ સેશન્સ જજ તથા સ્પેશ્યલ એન.ડી.પી.એસ. જજ શ્રી એસ.જી. મનસુરી ની અદાલતે તા. ૦૨/૧૧/૨૦૨૬ના રોજ આરોપીને તકસીરવાન ઠરાવી સજા ફરમાવી છે.
કોર્ટે ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરવા બદલ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૨૦ (બી) (i) મુજબ ૪ વર્ષની સખત કેદ તથા રૂ.૧૫,૦૦૦/-નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા. તેમજ સુકો ગાંજો ગેરકાયદેસર રીતે રાખવા બદલ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૨૦ (બી) (ii) (એ) મુજબ ૧ વર્ષની સખત કેદ તથા રૂ.૫,૦૦૦/-નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા.તથા કોર્ટ દ્વારા બંને સજા અલગ-અલગ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ, આરોપીને કુલ ૫ વર્ષની સખત કેદ તથા રૂ.૨૦,૦૦૦/-ના દંડની સજા ફટકારવામાં આવી છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
