<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરનો ઘેરાવ કર્યો : વિવિધ પડતર માંગણીઓને લઈને રામધૂન બોલાવી વિરોધ : ભરતી ન કર્યાનો આક્ષેપ: જુઓ વિડીયો

સફાઈ કર્મચારીઓના પીએફની રકમ જમા કરવા સહિતના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ : ઉચ્ચતર પગાર ધોરણ સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે ચીફ ઓફિસર સમક્ષ ધારદાર રજૂઆત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૫ : જામ ખંભાળિયામાં આજે સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વિવિધ પડતર માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે સફાઈ કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

વર્ષ 2016માં મંજૂર થયેલી સફાઈ કર્મચારીઓની જગ્યાઓ પર હજુ સુધી ભરતી નહીં કરાયાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. સાથે જ સફાઈ કર્મચારીઓના PFની રકમ જમા કરવા સહિતના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરાઈ છે. ઉચ્ચતર પગાર ધોરણ સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે ચીફ ઓફિસર સમક્ષ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ માંગણીઓને લઈને સફાઈ કર્મચારીઓએ હડતાળ અને આંદોલન કર્યું હતું. એક વર્ષથી કેટલીક માંગણીઓ પડતર હોવાનો સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે. 10થી 11 જેટલી માંગણીઓમાંથી કેટલીક માંગણીઓ સ્વીકારાઈ છે, પરંતુ બાકી રહેલી માંગણીઓ અંગે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

સફાઈ કર્મીઓની પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નગરપાલિકા કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.તેમ રમેશ વાઘેલા, પ્રદેશ મહામંત્રી, ગુજરાત સફાઈ કામદાર મહામંડળની યાદીમાં જણાવ્યું છે.

(4:25 PM IST)