<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

ખંભાળીયામાં દિવાળીએ દીવડાને બદલે પાલિકાના પ્રાંગણમાં પ્રગટાવી હોળી : સફાઈ કામદારોમાં ભારે રોષ

ખંભાળિયામાં 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા નગરપાલિકાના સફાઈ કામદારોએ બોનસ અને એડવાન્સ ન મળતા દિવાળીએ પાલિકાના પટાંગણમાં હોળી પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને તંત્રની ઉદાસીનતા સામે દિવાળીના પવિત્ર દિવસે જ નગરપાલિકાના પટાંગણમાં હોળી પ્રગટાવીને અનોખો અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તહેવારના ટાણે જ સફાઈ કામદારો રસ્તા પર ઉતરી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વિવિધ પડતર માંગણીઓ અને હકો માટે છેલ્લા 19 દિવસથી સતત પ્રતીક ઉપવાસ અને આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દિવાળી જેવા મુખ્ય તહેવાર પર પણ સરકાર કે નગરપાલિકા દ્વારા કર્મચારીઓને બોનસ કે ફેસ્ટિવલ એડવાન્સ નહીં ચૂકવવામાં આવતા કામદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આર્થિક સંકડામણ અને લાચારીના કારણે આ પરિવારો અંધકારમય માહોલમાં તહેવાર મનાવવા મજબૂર બન્યા છે.

ખંભાળિયામાં આજે દિવાળીએ પાલિકાના પટાંગણમાં પ્રતિકાત્મક રીતે હોળી પ્રગટાવીને કામદારોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા કામદારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જો વહેલી તકે તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી કામદાર યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

(10:41 PM IST)