તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 10th October 2026
કચ્છના ખાવડા આરઈ પાર્ક અકસ્માત વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો: સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ અને આરટીઓને સોંપાઈ તપાસ
જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપીએ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી : મૃતકોની લાશને વતન પહોંચાડવામાં તંત્ર મદદરૂપ બન્યું, અકસ્માત બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની ત્વરિત કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ : ખાવડાથી RE પાર્કના રસ્તે મજૂરોને લઈ જતી બોલેરો કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ મજૂરોના મોત નિપજ્યા હતા જ્યારે ૨૫ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના આ બનાવ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના એક્સ હેન્ડલ ઉપર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી ઈજાગ્રસ્તોની સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી.
અકસ્માતના આ બનાવ અંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અપાયેલી અખબારી યાદી મુજબ આ વાહનમાં કુલ ૩૨ શ્રમિકો સવાર હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે વાહન નીચે દબાઈ જવાથી ૬ શ્રમિકોના ઘટનાસ્થળે જ કમનસીબ મૃત્યુ થયા હતા, જ્યારે ૧ શ્રમિકનું હોસ્પિટલ પહોંચતા રસ્તામાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે થોડો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ૨૬ શ્રમિકોને તાત્કાલિક ખાવડા CHC ખાતે ખસેડી પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સઘન સારવાર માટે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભુજ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ભુજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પહોંચતાની સાથે જ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સારવાર તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી. કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ ઇજાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની કચાસ કે વિલંબ ન રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને સૂચનાઓ આપી હતી. આ ગંભીર ઘટનાને પગલે કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા દ્વારા કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સંબંધિત તમામ વિભાગોને જરૂરી કામગીરી કરવા નિર્દેશ અપાયા હતા અને અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ ઘટનાની ટેક્નિકલ તપાસ તાત્કાલિક અસરથી RTO અને પોલીસ વિભાગને સોંપવામાં આવી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ઉત્તર પ્રદેશના ૬ અને બિહારના ૧ શ્રમિકનું વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પોસ્ટમોર્ટમ (PM) કરાવવામાં આવ્યું હતું. કચ્છ કલેક્ટરશ્રીએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉત્તર પ્રદેશ અને બિહારના સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે સીધી વાતચીત કરી મૃતકોના સગા-સંબંધીઓને ત્વરિત જાણ કરી હતી. તમામ ૭ મૃતદેહોને તેમના વતન સન્માનપૂર્વક પહોંચાડવા માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલન સાધીને ૭ એમ્બ્યુલન્સની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
