<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વીજ કંપનીઓની દાદાગીરી સામે કિસાન કોંગ્રેસની વ્રજવાણીથી દ્વારકા સુધી ૫૦૦ કિ.મી.ની પદયાત્રાઃ ઠેર-ઠેર ખેડૂતોનું સમર્થન, હજારો લોકો જોડાયા

ભગવાન દ્વારકાધીશની ધ્‍વજાજી માથે લઈને નીકળેલી પદયાત્રામાં પાલ આંબલિયા, લાલજી દેસાઈ, જયેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા, વીજ લાઈનના વળતર માટે માર્કેટભાવના ચાર ગણું, માસિક ૫૦ હજાર ભાડું અથવા પોલદીઠ ૨ કરોડની માંગ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૯: વીજ કંપનીઓની મનમાની અને દાદાગીરી સામે ખેડૂતોના હક માટે કિસાન કોંગ્રેસ દ્વારા વ્રજવાણીથી દ્વારકા સુધીની ૫૦૦ કિલોમીટરની પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રાને ગામે-ગામ ખેડૂતો અને ગ્રામજનોનું ભારે સમર્થન મળી રહ્યું છે.

પદયાત્રીઓ ભગવાન દ્વારકાધીશની ધ્‍વજાજીને માથે લઈને આગળ વધી રહ્યા છે. યાત્રા જ્‍યાં-જ્‍યાંથી પસાર થાય છે ત્‍યાં ઠેર-ઠેર સ્‍વાગત, અભિવાદન સાથે ખેડૂતો દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે. હાલ હજારો લોકો આ યાત્રામાં જોડાઈ ચૂક્‍યા છે.

કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ પાલ આંબલિયાની આગેવાનીમાં નીકળેલી આ પદયાત્રામાં લાલજીભાઈ દેસાઈ, જયેશભાઈ પટેલ, મહેશભાઈ રાજકોટીયા સહિતના આગેવાનો જોડાયા છે. આંદોલનકારીઓની મુખ્‍ય માંગ છે કે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હાઈટેન્‍શન વીજ લાઈનોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પોલિસી બનાવે.

ખેડૂત આગેવાનોએ માંગ કરી છે કે વીજ લાઈન માટે સંપાદિત થતી જમીનનું માર્કેટભાવના ચાર ગણું વળતર આપવામાં આવે, અથવા વીજ કંપનીઓ ખેડૂતોને દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા ભાડું ચૂકવે, અથવા દરેક વીજ પોલ દીઠ ૨ કરોડ રૂપિયા વળતર આપવામાં આવે. આગેવાનોનું કહેવું છે કે વીજ કંપનીઓ ખેડૂતોની જમીનનો ઉપયોગ કરે છે પણ સામે યોગ્‍ય વળતર આપતી નથી, ઉપરથી દાદાગીરી કરે છે.

પદયાત્રા દ્વારકા પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન બાદ સરકારને આવેદનપત્ર પાઠવશે

(10:26 AM IST)