તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
કોયબા અને રાજસ્થલી ગામો સંપર્કવિહોણા બન્યા
વરસાદથી થયેલા નુકસાન અને તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપતાં નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી

મોરબી : મોરબી જિલ્લામાં અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી ૪ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતાને પગલે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાન અને તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપતાં નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુસળધાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળતા જિલ્લામાં હાલ કુલ ૧૮ જેટલા મુખ્ય અને ગ્રામીણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયત હસ્તકના ૧૬ અને સ્ટેટ આર એન્ડ બી (R&B) હસ્તકના ૨ માર્ગોનો સમાવેશ થાય છે. માર્ગો બંધ થવાના કારણે હળવદ તાલુકાનું કોયબા અને વાંકાનેર તાલુકાનું રાજસ્થલી ગામ અન્ય વિસ્તારોથી સંપૂર્ણપણે સંપર્કવિહોણું થઈ ગયું છે.
કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના નોડલ ઓફિસરો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓ પૂર અને વરસાદી સ્થિતિ પર ૨૪ કલાક સીધી નજર રાખશે. સંપર્કવિહોણા થયેલા ગામોમાં જરૂરી ઈમરજન્સી સેવાઓ પહોંચાડવા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રાખવા માટે જિલ્લા પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ સંપૂર્ણપણે સક્રિય છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
