તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
પાલિતાણાની તેજસ્વી વિદ્યાર્થીની કૃપાલી કામળિયાએ પી.એચ.ડી.ની પદવી હાંસલ કરી : શિક્ષણ જગતમાં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું
'અનુઆધુનિક ગુજરાતી નવલકથામાં પુરાકલ્પનનો વિનિયોગ' વિષય પર ગહન સંશોધન કરી પૌરાણિક સાહિત્ય અને સાંપ્રત સર્જનનો સમન્વય સાધ્યો

પાલિતાણા: પાલિતાણાની દીકરી અને તેજસ્વી વિદ્યાર્થીની કુમારી કૃપાલી કામળિયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરતા પી.એચ.ડી.ની પદવી મેળવી છે. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય દ્વારા તેમને આ પદવી એનાયત કરવામાં આવી છે. કૃપાલી કામળિયાએ બહાઉદ્દીન ગવર્મેન્ટ આર્ટસ કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગૌરાંગકુમાર જાનીના માર્ગદર્શન હેઠળ પોતાનું સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
સંશોધનનો વિષય અને મહત્ત્વ:
કુમારી કૃપાલી કામળિયાએ 'અનુઆધુનિક ગુજરાતી નવલકથામાં પુરાકલ્પનનો વિનિયોગ : એક અભ્યાસ' (પસંદગીની નવલકથાના સંદર્ભે) વિષય પર પોતાનો મહાશોધનિબંધ રજૂ કર્યો હતો. આ સંશોધન દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યમાં આધુનિક નવલકથાઓની અંદર પૌરાણિક કથાઓ અને કલ્પનાઓનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત છણાવટ કરી છે. તા. ૧૫ એપ્રિલના રોજ વિશ્વવિદ્યાલય દ્વારા તેમને સત્તાવાર રીતે પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે.
શૈક્ષણિક કારકિર્દી અને વિશેષતાઓ:
દિનેશભાઈ કામળિયાની પુત્રી કૃપાલીએ અગાઉ જીસેટ (GSET) ની પરીક્ષા પણ પાસ કરેલી છે, જે તેમની શૈક્ષણિક સજ્જતા દર્શાવે છે. તેમણે રામાયણ, મહાભારત અને ભાગવતપુરાણ જેવા પૌરાણિક સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી, આ ગ્રંથો આધારિત કૃતિઓ સાંપ્રત સમયના સર્જકોની અભિવ્યક્તિમાં કેવી રીતે સાર્થક થાય છે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો છે.
પાલિતાણાની વિદ્યાર્થીનીએ મેળવેલી આ ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિથી તેમના પરિવાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પૌરાણિક અને આધુનિક સાહિત્યના સમન્વયને ઉજાગર કરતું આ સંશોધન આગામી સમયમાં ગુજરાતી સાહિત્યના અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહેશે. આ સફળતા બદલ તેમને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
