News of Wednesday, 2nd September 2026
ગીરના પવિત્ર તીર્થધામ તુલસીશ્યામમાં કૃષ્ણ જન્મોત્સવનો ભારે થનગનાટ : જન્માષ્ટમી પર્વે ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન શ્યામને ખુલ્લા પરદે કરાશે મહાઅભિષેક
સાતમ-આઠમ દરમિયાન એકાદ લાખ ભાવિકો ઉમટી પડવાની ધારણા : તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદ, નવીન પાર્કિંગ અને વિશેષ રોશની સહિતની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

તુલસીશ્યામ:ગીરના ઘનઘોર જંગલની ગોદમાં આવેલ ઐતિહાસિક તેમજ પવિત્ર તીર્થધામ તુલસીશ્યામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ભારે ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવશે. આગામી ગોકુલ આઠમ, ૪ સપ્ટેમ્બરના પાવન દિવસે સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિવિધાન સાથે વિવિધ કાર્યક્રમોની શ્રૃંખલા શરૂ થઈ જશે, જેને લઈને શ્યામ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રથમ વખત ખુલ્લા પરદે મહાઅભિષેક અને રાજવી શૃંગાર:
આ વર્ષના જન્માષ્ટમી ઉત્સવનું મુખ્ય આકર્ષણ ભગવાન સુંદરશ્યામનો મહાઅભિષેક રહેશે. મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રભુ શ્યામને પવિત્ર દ્રવ્યો અને વિવિધ પૂજન સામગ્રી વડે શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવામાં આવશે. દરબારમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ આ દિવ્ય ક્ષણના સાક્ષી બની શકે તે માટે આ સ્નાનવિધિ સંપૂર્ણપણે ખુલ્લા પડદે યોજાશે.
આ પાવન પ્રસંગે ભગવાન શ્યામને વિશેષ રૂપે તૈયાર કરાયેલા રાજવી વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે તેમજ કાળિયા ઠાકર સોનાના મુગટ અને કુંડળથી સુશોભિત થઈ રાજાધિરાજ સ્વરૂપે દર્શન આપશે. મંદિરના ગર્ભગૃહમાં સાચા સુગંધી પુષ્પોની સજાવટ કરવામાં આવશે, જ્યારે સમગ્ર મંદિર પરિસર અને ગરમ પાણીના કુંડ વિસ્તારમાં ઝળહળતી રોશની કરવામાં આવી છે.
‘ગીરના દ્વારકા’માં ભક્તો માટે વિશેષ સુવિધાઓ:
ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલું આ સ્થળ ધાર્મિક દ્રષ્ટિએ ગોકુલ-મથુરા અને દ્વારકા જેટલું જ મહાત્મ્ય ધરાવતું હોવાથી ભક્તો તેને શ્રદ્ધાથી ‘ગીરનું દ્વારકા’ પણ કહે છે. શ્રાવણ માસની શરૂઆતથી જ અહીના કુદરતી વાતાવરણ અને પવિત્ર ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા યાત્રિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. સાતમ-આઠમ દરમિયાન અહીં સરેરાશ એકાદ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની અપેક્ષા છે.
યાત્રિકોની વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, છાંયડા અને મહાપ્રસાદ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા વાહનો માટે અલાયદી નવી પાર્કિંગ જગ્યા ઉભી કરાઈ છે, જેમાં પ્રતિવર્ષની જેમ વન વિભાગનો સહયોગ સાંપડી રહ્યો છે.
જન્માષ્ટમીના દિવસે રાત્રિના ૧૨ વાગ્યે શંખનાદ, ઝાલરના રણકાર અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’ના ગગનભેદી નારા સાથે પ્રભુ શ્યામના જન્મના વધામણાં કરાશે. મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહી સમગ્ર આયોજન અને સેવા-સુવિધાઓ પર સતત દેખરેખ રાખશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
