તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
સિદસર ઉમિયાધામ ખાતે કુર્મી સેના ઉત્તર પ્રદેશના સામાજિક પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી સામાજિક ક્રાંતિ અંગે ચર્ચા વિચારણા કરી
જામજોધપુર પટેલ સમાજ ખાતે અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ : આંતરરાજ્ય સમૂહ લગ્ન, રોટી-બેટીના વ્યવહાર અને પ્રયાગરાજ ખાતે કુર્મી પાટીદારોના સંગમ સ્થાન અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સિદસર ઉમિયાધામ ખાતે કુર્મી સેના ઉત્તર પ્રદેશના સામાજિક પ્રતિનિધિ મંડળે ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સામાજિક ક્રાંતિ, પાટીદાર સમાજના સંગઠન અને આગામી આયોજનો અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત જામજોધપુર ખાતે પટેલ સમાજ ભવનમાં પણ સમાજના વિવિધ અગ્રણીઓ સાથે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બંને રાજ્યોના પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:
આ બેઠકમાં ઉત્તર પ્રદેશથી આવેલા કુર્મી સેનાના સામાજિક પ્રતિનિધિ મંડળના અગ્રણીઓ ચંદ્રભાણસિંહ પટેલ (પ્રયાગરાજ), રામપ્રસાદજી (કોસંબી), આર. સી. પટેલ (સુલતાનપુર), સ્વામી ભંતેજી (લખનઉ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડિયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા રમેશભાઈ ધરસંડીયા, પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ વાછાણી, મંત્રી ચંદ્રેશભાઇ સવસાણી, રાષ્ટ્રીય પ્રવક્તા કિશનભાઇ વેકરીયા, પ્રદેશ કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ તળપદા, કુર્મી સેનાના જામનગર અધ્યક્ષ કિંજલભાઈ કારસરીયા, ઉપાધ્યક્ષ માવજીભાઈ રામોલિયા, મંત્રી પ્રવીણભાઈ ચનીયારા તેમજ જામજોધપુરના પાટીદાર અગ્રણીઓ હિરેનભાઈ ખાંટ અને નરેન્દ્રભાઈ કડીવાર સહિતના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આંતરરાજ્ય સમૂહ લગ્ન અને રોટી-બેટીના વ્યવહાર અંગે વિસ્તૃત મંથન:
ગુજરાતના પ્રવાસે આવેલા ઉત્તર પ્રદેશના કુર્મી આગેવાનોએ સ્થાનિક પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે કુર્મી સેના દ્વારા આયોજિત થનારા આંતરરાજ્ય સમૂહ લગ્નને લઈને વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશ અને ગુજરાતના પાટીદાર-કુર્મી સમાજ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર વધુ મજબૂત બને તે અંગે પણ રોડમેપ તૈયાર કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આવનારા સમયમાં પ્રયાગરાજ ખાતે કુર્મી અને પાટીદારોનું એક મોટું સંગમ સ્થાન બને તે માટે પણ આગેવાનો દ્વારા વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
