<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતનો કચ્છ ભાજપે ભવ્ય વિજયોત્સવ મનાવી કર્યો ઉજવણીનો શંખનાદ, શ્યામાપ્રસાદ મુખરજીની ભૂમિમાં કમળ ખીલતા 'રાષ્ટ્ર પ્રથમ'ના યુગનો પ્રારંભ

4 મે 2026 ભારતીય રાજનીતિની ઐતિહાસિક તારીખ બની: બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત, આઠ દાયકા બાદ ભગવો લહેરાયો; કચ્છ કમલમ ખાતે ફટાકડા, મીઠાઈ અને શુભેચ્છાઓ સાથે ધામધૂમપૂર્વક વિજયોત્સવ, સાંસદ વિનોદભાઈ ચાવડા, મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત અગ્રણીઓ-કાર્યકરો ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૭ :ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં મેળવેલી ઐતિહાસિક, પ્રચંડ અને અભૂતપૂર્વ જીતની  ઉજવણી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ સ્થિત મધ્યસ્થ કાર્યાલય 'કચ્છ કમલમ' ખાતે ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. 4 મે 2026નો દિવસ ભારતની રાજકીય તવારીખમાં ઐતિહાસિક બની રહ્યો છે.

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે ભાજપની સ્થાપનાના મૂળ જેમની સાથે જોડાયેલા છે તેવા શ્યામાપ્રસાદ મુખર્જીની ભૂમિ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની જુગલજોડી દ્વારા જબ્બર બહુમતી સાથે વિજય મેળવીને ભાજપ દ્વારા આજરોજ શ્યામાપ્રસાદ મુખરજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અપાઈ છે.

શ્રી વરચંદે વધુમાં જણાવ્યું કે ખાસ કરીને બંગાળમાં આટલી ભવ્ય જીત મળવાથી કાર્યકરો અને અગ્રણીઓમાં ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ૧૫ વર્ષના કોમવાદી, રાષ્ટ્રવિરોધી રાક્ષસરાજનો અંત આવ્યો છે અને આજે કમળનું ફૂલ બંગાળમાં પૂર્ણકળાએ ખીલ્યું છે. બંગાળમાં ભાજપના આગમન સાથે લગભગ આઠ દાયકા બાદ ભગવો લહેરાયો છે અને 'રાષ્ટ્ર પ્રથમ'ની વિચારધારાયુક્ત રાજનીતિનો એક નવો યુગ શરૂ થયો છે

પશ્ચિમ બંગાળની સાથોસાથ આસામ અને પોંડિચેરીમાં પણ ભાજપે કમાલનું પ્રદર્શન કર્યું છે. આસામમાં જીતનું પુનરાવર્તન એ ભાજપના રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી, અંત્યોદય પ્રેરિત સુશાસનનું એક બેનમૂન દ્રષ્ટાંત છે, એમ શ્રી વરચંદે ઉમેર્યું હતું.

વિજયોત્સવની ઉજવણીમાં સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરોએ એકમેકના મીઠા મોં કરાવી, ફટાકડા ફોડી ભવ્ય વિજયની શુભેચ્છાઓ અને અભિનંદનોની આપ-લે કરી હતી.

 

આ ઉજવણીમાં પ્રદેશ નિરીક્ષકો ભાનુભાઈ મેતા, ભરતસિંહ ગોહિલ, ગૌતમભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડલ-મોરચાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર અને ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડિયા અને તેમના મંડલોની ટીમે જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ સુનિલ માંકડની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

(9:36 AM IST)