<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

SIR મુદ્દે કચ્છ ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર: ‘જુઠ્ઠાણાંથી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’

ભુજ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કોંગ્રેસના આક્ષેપોને રદ્દિયો આપી ચૂંટણી પંચના નિર્ણયો અંગે સ્પષ્ટતા કરી

(વિનોદગાલા દ્વારા)ભુજ તા.૩૦ : SIR મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોને લઈને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ સ્થિત કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા અંગે કરવામાં આવી રહેલા આક્ષેપોને આધારવિહોણા ગણાવી સમગ્ર મુદ્દે ભાજપનો પક્ષ રજૂ કર્યો હતો.

દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ સામે એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખને આધાર બનાવી કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચે તાજેતરમાં જાહેર કરેલી સ્પષ્ટતામાં SIR સંબંધિત નિર્ણયો અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચૂંટણી પંચે SIR પ્રક્રિયા, ECINET તથા Form-6 સંબંધિત મુદ્દાઓ અંગે પણ વિવિધ સ્પષ્ટતાઓ કરી છે. શ્રી વરચંદે વધુમાં જણાવ્યું હતું કે SIR દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6 અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપો જનતાને ગેરમાર્ગે દોરનારા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચે SIR દરમિયાન Form-6 સાથે જોડાયેલી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી છે અને SIR સિવાયના સમયગાળા માટે નિયમિત Form-6 પ્રક્રિયા યથાવત હોવાનું જણાવ્યું છે. તેમણે કોંગ્રેસ પર રાજકીય પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને હવે SIRના મુદ્દે ભ્રમ અને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.” તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અગાઉ ચૂંટણી પરિણામો અંગે EVMને જવાબદાર ઠેરવતી હતી અને હવે SIR તથા ચૂંટણી પંચને નિશાન બનાવી રહી છે.

શ્રી વરચંદે વધુમાં કહ્યું હતું કે જ્યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્યાં લોકશાહીનો વિજય ગણાવવો અને જ્યાં ભાજપની તરફેણમાં આવે ત્યાં ‘વોટ ચોરી’ના આક્ષેપો કરવા એ કોંગ્રેસના બેવડા ધોરણો દર્શાવે છે. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસ પાસે જનતા સમક્ષ રજૂ કરવા માટે નક્કર મુદ્દો ન હોવાથી તે નકારાત્મક રાજનીતિ અને આક્ષેપો સુધી સીમિત બની રહી છે. SIR અંગે ચૂંટણી પંચની કામગીરીને લઈને જાહેર ક્ષેત્રે વિવિધ પ્રશ્નો અને મતભેદ અંગે ચર્ચા ચાલી રહી છે. કેટલાક અહેવાલોમાં બે ચૂંટણી કમિશનરો દ્વારા કેટલાક નિર્ણયો અંગે વાંધા ઉઠાવાયા હોવાનું પણ પ્રકાશિત થયું છે, જ્યારે ચૂંટણી પંચે ત્યારબાદ વિવિધ મુદ્દાઓ અંગે સ્પષ્ટતા તથા નવ નવા નિર્ણયો જાહેર કર્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેષભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી, સહ-ઇન્ચાર્જ ચેતનભાઈ કતિરા, સંજય મહેશ્વરી, દીપક ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:28 AM IST)