<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

સફાઈ કામદાર બહેનો સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉજવ્યું રક્ષાબંધનનું પર્વ

ભુજ સાંસદ સંપર્ક કાર્યાલય મધ્યે આત્મીય ઉજવણી, સફાઈ કર્મચારીઓની નિષ્ઠાભરી સેવાને બિરદાવી : બહેનોને સાડી અર્પણ કરી સન્માન વ્યક્ત કર્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ :  રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભુજ સાંસદ સંપર્ક સદન કાર્યાલય ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સફાઈ કામદાર બહેનો સાથે આત્મીયતાપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સફાઈ કામદાર બહેનોએ સાંસદશ્રીને રાખડી બાંધી ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને લાગણીના પવિત્ર બંધનને ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર સંબંધનું પ્રાચીન અને લોકપ્રિય પર્વ છે. સમાજમાં પરસ્પર લાગણી, સન્માન અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવામાં આવા પર્વોનું વિશેષ મહત્વ છે.

સાંસદશ્રીએ ભુજ શહેરની સ્વચ્છતા તથા જનસ્વાસ્થ્ય માટે સફાઈ કામદાર બહેનો દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણમાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અમૂલ્ય છે. તેમના પરિશ્રમ, સેવાભાવ અને સમર્પણને સમાજે હંમેશા સન્માન આપવું જોઈએ.

રક્ષાબંધનના પાવન પર્વે સફાઈ કામદાર બહેનો સાથે ઉજવણી કરીને સાંસદશ્રીએ તેમના પ્રત્યે સન્માન, લાગણી અને ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. બહેનોએ સાંસદશ્રીને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા. બદલામાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તરફથી તમામ બહેનોને શુભેચ્છા સ્વરૂપે સાડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભુજના નગરપતિ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, વિરમભાઈ આહીર સહિતના આગેવાનો, કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ, ઉત્સાહ અને આત્મીયતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સફાઈ કામદાર બહેનો સાથેની આ રક્ષાબંધનની ઉજવણીએ સામાજિક સમરસતા, માનવતા, સન્માન અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો.

(9:24 AM IST)