હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છની ઓઇલ રિફાઇનરીઓ પર આવકવેરા વિભાગના દરોડા પૂર્ણ!
પાંચ દિવસ સુધી ચાલેલી તપાસમાં બોગસ હિસાબી વ્યવહારો ઝડપાયા:ડિજિટલ ડેટા અને દસ્તાવેજો દિલ્હી મોકલાયા

ભુજઃ પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજારના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ખાદ્યતેલ રિફાઇનરીઓ પર આવકવેરા વિભાગે હાથ ધરેલું પાંચ દિવસનું સર્ચ ઓપરેશન પૂર્ણ કર્યું છે. પડાણા, આંબાપર અને ભીમાસર વિસ્તારમાં આવેલી બે ઓઇલ રિફાઇનરી પેઢીઓ પર દિલ્હીથી આવેલી વિશેષ ટીમોએ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી અને આગ્રાના ઉદ્યોગપતિઓ સાથે સંકળાયેલી કંપનીઓમાં બોગસ હિસાબી વ્યવહારો દ્વારા કંપનીનું મૂલ્યાંકન કૃત્રિમ રીતે ઊંચું દર્શાવી આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ તપાસની કડીઓ કચ્છ સુધી પહોંચતાં આવકવેરા વિભાગની ટીમોએ બંને કંપનીઓમાં એકસાથે તપાસ શરૂ કરી હતી. આ પૈકી એક રિફાઇનરી કાર્યરત છે, જ્યારે બીજી નિર્માણાધીન છે.
પાંચ દિવસની તપાસ દરમિયાન કંપનીઓમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ કે દાગીના મળી આવ્યા ન હતા. જોકે, તપાસ દરમિયાન કંપનીઓની હાર્ડ ડિસ્ક, સર્વર ડેટા, બેંકિંગ વ્યવહારો અને મહત્વના હિસાબી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા.
સ્થાનિક તપાસ પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા ડિજિટલ અને ભૌતિક દસ્તાવેજો દિલ્હી સ્થિત સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન વિંગને મોકલી આપવામાં આવ્યા છે. હવે નિષ્ણાતોની મદદથી આ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી પૂર્વ કચ્છના વેપારી વર્તુળોમાં ચર્ચા જાગી છે. તપાસનો મુખ્ય હેતુ બોગસ વ્યવહારો અને કંપનીઓના મૂલ્યાંકન પાછળની હકીકત બહાર લાવવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
