News of Monday, 1st June 2026
કચ્છ- મુન્દ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો: બે પિસ્તોલ-14 જીવતા કારતૂસ સાથે બે શખ્સો ઝડપાયા, રાજસ્થાનનો ધનરાજ ચૌધરી વોન્ટેડમ
નાના કપાયા પાસે પોર્ટ રોડ પરથી રમેશ ગઢવી અને કિશન સલાણીની ધરપકડ, ₹3 લાખનો મુદ્દામાલ જપ્ત, બાડમેરના આરોપીને પકડવા ચક્રો ગતિમાન, ગેરકાયદેસર હથિયાર નેટવર્કની ઉંડી તપાસ શરૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કચ્છમાં લાંબા સમય બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી પોતાની હાજરી પુરાવી છે. મુન્દ્રાના નાના કપાયા પાસે પોર્ટ જવાના રસ્તેથી SMCની ટીમે બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં બે પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સહિત ₹3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે મુન્દ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરવા આવવાના છે. બાતમીના આધારે SMCની ટીમે નાના કપાયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બે શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝિન અને 14 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ રમેશ ગઢવી અને કિશન સલાણી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ હથિયારોના સપ્લાય પાછળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો ધનરાજ ચૌધરી મુખ્ય સૂત્રધાર છે, જે હાલ ફરાર છે. SMCએ ધનરાજને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
બે પિસ્તોલ,દેશી બનાવટની,બે મેગેઝિન,14 જીવતા કારતૂસ,3 મોબાઈલ ફોન સહિત
કુલ અંદાજિત કિંમત: ₹3,00,000 જપ્ત કરી છે.
SMC દ્વારા આરોપીઓ વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ માટે કેસ મુન્દ્રા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે. કચ્છમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્કને ખતમ કરવા પોલીસે વધુ સઘન પૂછપરછ અને ઉંડી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ કોને હથિયાર સપ્લાય કરવાના હતા અને અગાઉ કેટલા હથિયારો વેચ્યા છે તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે.
કચ્છ જેવા સરહદી જિલ્લામાં હથિયારોની હેરાફેરીની ઘટનાને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
