<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

૩.૩ અબજ વર્ષ જૂના ધરતીના રહસ્યો ઉકેલવા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજસ્થાનની ભૂમિ ખૂંદશે

જીઓસાયન્સ વિભાગના ૧૫ દિવસીય વાર્ષિક ફિલ્ડ વર્કનો ઉદયપુરથી પ્રારંભ; ૨૫થી વધુ ખડકો, ૩૦થી વધુ ખનિજો, અશ્મિઓ અને મહત્વપૂર્ણ ખાણ વિસ્તારોનો વિદ્યાર્થીઓ કરશે પ્રત્યક્ષ અભ્યાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૮  :  ભૂસ્તરશાસ્ત્ર એટલે માત્ર પુસ્તકોમાં પૃથ્વીના ઇતિહાસને સમજવાનો વિષય નહીં, પરંતુ ધરતીના પડોમાં છુપાયેલા કરોડો-અબજો વર્ષ જૂના રહસ્યોને પ્રત્યક્ષ નિરીક્ષણથી ઉકેલવાની વિજ્ઞાનયાત્રા છે. આ અભિગમને સાકાર કરતાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગ દ્વારા એમ.એસસી. જિયોસાયન્સ અને એમ.એસસી. એપ્લાઇડ જિયોલોજીના પ્રથમ તથા બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ૧૫ દિવસીય વાર્ષિક શૈક્ષણિક ભૂસ્તરીય ફિલ્ડ વર્કનો રાજસ્થાનના ઉદયપુરથી પ્રારંભ થયો છે.

આંતરરાષ્ટ્રીય જિયોડાઇવર્સિટી ડેના અવસરે શરૂ થયેલા આ શૈક્ષણિક અભિયાનનું આયોજન વિભાગના અધ્યક્ષ ડૉ. ગૌરવ ડી. ચૌહાણ તથા અધ્યાપકો ડૉ. યશ શાહ, ચિરાગ પરમાર અને ભવ્યાતા ચાવડાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. ઉદયપુરની એમ.એલ. સુખાડિયા યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના નિવૃત્ત પ્રોફેસર નરેન્દ્ર કે. ચૌહાણ પણ વિદ્યાર્થીઓને નિષ્ણાત માર્ગદર્શન આપી રહ્યા છે.

*અબજો વર્ષ જૂના ખડકો સાથે વિદ્યાર્થીઓનો સીધો સંવાદ*

૧૫ દિવસના આ ફિલ્ડ વર્ક દરમિયાન વિદ્યાર્થીઓ ઉદયપુર, ચિત્તોડગઢ, હલ્દીઘાટી, કુંભલગઢ, આબુ-અંબાજી, જોધપુર અને સંભવતઃ જેસલમેરના વિવિધ ભૂસ્તરીય વિસ્તારોની મુલાકાત લેશે. આ દરમિયાન આશરે ૩.૩ અબજ વર્ષ જૂના પ્રાચીન ખડકોથી લઈને ક્વાર્ટરનરી યુગ સુધીના વિવિધ શૈલસમૂહો, ખનિજો અને અશ્મિઓનો પ્રત્યક્ષ અભ્યાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ૨૫થી વધુ પ્રકારના ખડકો અને ૩૦થી વધુ પ્રકારના ખનિજોનો ઝીણવટભર્યો અભ્યાસ કરશે. આ ઉપરાંત હિન્દુસ્તાન ઝિંકની પ્રખ્યાત જાવર અંડરગ્રાઉન્ડ માઇન્સ, ભારતની મહત્વપૂર્ણ વ્યવસાયિક રોક ફોસ્ફેટ ખાણ ઝામરકોટ્રા, કુંભલગઢ નજીકની ટેલ્ક માઇન્સ અને અંબાજીની માર્બલ માઇન્સ સહિતના ખાણ વિસ્તારોની મુલાકાત લઈ ખનિજ સંસાધનોની રચના અને ઉપયોગિતાને નજીકથી સમજશે.

*નકશાથી લઈને ભૂસ્ખલન સુધીનું પ્રાયોગિક શિક્ષણ*

જોધપુર અને જેસલમેર વિસ્તારમાં વિદ્યાર્થીઓને વિવિધ ભૂસ્તરીય રચનાઓના અભ્યાસની સાથે જિયોલોજિકલ અને સ્ટ્રક્ચરલ મેપિંગની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. માર્ગો, ટનલ, પુલ અને ડેમ જેવા બાંધકામોમાં ભૂસ્તરશાસ્ત્રની ભૂમિકા તેમજ ભૂસ્ખલન સંભવિત વિસ્તારોનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ જિયોલોજી અંગેનું વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થશે.

વિભાગના અધ્યક્ષ ડૉ. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, “પુસ્તકીય જ્ઞાન કરતાં ફિલ્ડમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને વાસ્તવિક પરિસ્થિતિને સમજવી એ ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે.” આવા ફિલ્ડ વર્કથી વિદ્યાર્થીઓમાં વ્યવહારુ કૌશલ્યો વિકસે છે, જે ભવિષ્યમાં રોજગાર, વ્યવસાય તેમજ ઉચ્ચ સંશોધન ક્ષેત્રે ઉપયોગી સાબિત થાય છે.

*વર્ષે ૭૦થી ૮૦ દિવસ ફિલ્ડ-પ્રાયોગિક જ્ઞાન*

કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને દર વર્ષે નિયમિત ૧૫ દિવસનું વાર્ષિક ફિલ્ડ વર્ક કરાવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ટૂંકા ફિલ્ડ વર્કનું પણ આયોજન કરવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓને એક શૈક્ષણિક સત્ર દરમિયાન અંદાજે ૭૦થી ૮૦ દિવસનું ફિલ્ડ અને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.

વિભાગની આ અનોખી કાર્યપદ્ધતિ અને ગુણવત્તાયુક્ત પ્રાયોગિક શિક્ષણના કારણે ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ કચ્છ યુનિવર્સિટીમાં ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરવા આકર્ષાય છે. અગાઉ પણ વિભાગના વિદ્યાર્થીઓ રાજસ્થાન સહિત કેરળ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં સફળ ફિલ્ડ વર્ક કરી ચૂક્યા છે.

*દુર્લભ ખડકો-અશ્મિઓ બનશે યુનિવર્સિટીની ધરોહર*

ફિલ્ડ વર્ક દરમિયાન એકત્ર કરવામાં આવનારા દુર્લભ ખડકો, અશ્મિઓ અને ખનિજ નમૂનાઓનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરવામાં આવશે. આ નમૂનાઓને કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિકલ મ્યુઝિયમમાં પ્રદર્શન તેમજ વિદ્યાર્થીઓના દૈનિક પ્રાયોગિક અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય જિયોડાઇવર્સિટી ડે નિમિત્તે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પૃથ્વીના કુદરતી ભૂસ્તરીય વારસા (Geoheritage)ના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લીધો હતો. સાથે જ જિયોટુરિઝમને વધુ પ્રોત્સાહન આપી ભૂસ્તરીય વારસાને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સઘન પ્રયાસો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

(9:34 AM IST)