તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
કચ્છમા સલામત ડ્રાઇવિંગનો સંદેશ આપી ભારે વાહનચાલકોને આરોગ્ય અને સુરક્ષાની કાળજી અંગે માર્ગદર્શન
અદાણી સિમેન્ટ, અદાણી ફાઉન્ડેશન અને અદાણી મેડિકલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભારે વાહનચાલકો માટે માર્ગ સુરક્ષા-આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : અદાણી સિમેન્ટ, અદાણી ફાઉન્ડેશન અને અદાણી મેડિકલ સેન્ટર, સાંઘીપુરમના સંયુક્ત ઉપક્રમે ભારે વાહનચાલકો માટે માર્ગ સુરક્ષા, આરોગ્ય જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫૦ થી વધુ ભારે વાહનચાલકો તથા ટ્રાન્સપોર્ટ અધિકારીઓએ ભાગ લીધો હતો.
અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડિંગ યુનિટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વાહનચાલકોને સલામત ડ્રાઇવિંગ અને વ્યક્તિગત સુરક્ષા અંગે માર્ગદર્શન આપી સુરક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેફ્ટી ટીમ દ્વારા ઓવર સ્પીડ ટાળવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા તેમજ લાંબી મુસાફરી પહેલાં પૂરતો આરામ લેવા અપીલ કરવામાં આવી હતી.
માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો અંગે પણ વાહનચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુ ઝડપ, મોબાઇલનો ઉપયોગ, નશાની હાલતમાં ડ્રાઇવિંગ અને લાંબા સમય સુધી સતત વાહન ચલાવવાથી ઊભા થતા જોખમો અંગે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો હતો. સાથે વાહનની નિયમિત તપાસ તથા ઇમરજન્સી સ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ સાથે આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, વજન, ઊંચાઈ અને આંખોની તપાસ સહિતની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા જાગૃતિના ભાગરૂપે ડ્રાઇવરોને ફર્સ્ટ એડ કીટ, માસ્ક, હાથમોજાં, સુરક્ષા ચશ્માં, સુરક્ષા બેલ્ટ તેમજ ‘રોકો-ટોકો’ અભિયાનના કીચેનનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગ્રાઇન્ડિંગ યુનિટના જનરલ મેનેજર (પ્રોડક્શન) વિકાસ સિંહે ડ્રાઇવરો સાથે સંવાદ કરી માર્ગ સુરક્ષા અંગે ઉપયોગી સૂચનો આપ્યા હતા. ખાસ કરીને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલના ઉપયોગથી થતા જોખમો અને માર્ગ પર સતત સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
GPS આધારિત મૂલ્યાંકનના આધારે સલામત ડ્રાઇવિંગ કરનાર પસંદગીના વાહનચાલકોને વિશેષ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન અન્ય ડ્રાઇવરો માટે પણ સલામત ડ્રાઇવિંગની પ્રેરણા બન્યું હતું. અદાણી સિમેન્ટ, સાંઘીપુરમના ચીફ પ્લાન્ટ મેનેજર રાજેશ વાઢેરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં લોજિસ્ટિક વિભાગની ટીમ, અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ અને અદાણી મેડિકલ સેન્ટરના તબીબી સ્ટાફે સક્રિય સહભાગિતા નોંધાવી હતી.
સલામત ડ્રાઇવર, સલામત પરિવાર અને સલામત સમાજ’ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા ભારે વાહનચાલકોમાં માર્ગ સુરક્ષા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
