તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયન શીપમાં ડંકો વગાડનાર કચ્છની દીકરીનું સન્માન કરાયું: ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા ટીમમાં એક માત્ર ગુજરાતની ખેલાડી
યુગાન્ડા સામેની ફાઈનલ મેચમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમએ જીત મેળવી, સાંસદ વિનોદ ચાવડા, કવીઓ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા દ્વારા સભાઈબેન ગઢવીનું કરાયું વિશેષ સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ ગયેલ રાજ્યની સૌ પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયન શીપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમએ દેશનું વૈશ્વિક લેવલે ગૌરવ વધાર્યું છે. ગત ૩૧ ઓક્ટોબરે યુગાન્ડા સામેની મહિલા કબડ્ડી ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમએ ઝળહળતી ફત્તેહ મેળવી હતી. વિજેતા ટીમમાં ડિફેન્ડર તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી સાભઈબેન ગઢવી મૂળ કચ્છના મોટા ભાડિયા ગામના વતની છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં તેઓ પસંદગી પામનાર ગુજરાતના એક માત્ર મહિલા ખેલાડી હોઈ તેમની આ સિદ્ધિને કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી રહી છે. જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને હવે આતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખેલજગતમાં સફળતા મેળવનાર ખેડૂત પુત્રી સભાઈબેન ગઢવીની સંઘર્ષથી સફળતા સુધીની સફરમાં માતા પિતા અને ભાઈઓનું પ્રોત્સાહન મહત્વનું રહ્યું છે. કોમનવેલ્થ ચેમ્પિયન શીપમાં વિજેતા ભારતીય કબડ્ડી ટીમનો હિસ્સો બનવાનું ગૌરવ અને હરખ તેમની વાતમાં છલકે છે.
કચ્છના નાનકડા ગામની દીકરી રમતગમત ક્ષેત્રે દેશ વિદેશમાં કાઠું કાઢે તેનો આનંદ કચ્છી માડુઓને છે. સભાઈબેન ગઢવીની સિદ્ધિને સાંસદ વિનોદ ચાવડા અને શ્રી ભુજ કવીઓ જૈન મહાજને સન્માન દ્વારા બિરદાવી હતી. સાંસદ વિનોદ ચાવડા અને શ્રી ભુજ કવીઓ જૈન મહાજનના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ખેલે ગુજરાત અને ખેલો ઇન્ડિયા જેવી રમતગમત સ્પર્ધાઓને પ્રોત્સાહનરૂપ ગણાવી હતી. તેમજ આગામી સમયમાં ગુજરાતમાં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સ તેમ જ ઓલિમ્પિક ગેમ્સ પૂર્વે રાજ્યના ખેલાડીઓ માટે કબડ્ડી ટીમની જીતને પ્રેરણારૂપ ગણાવી હતી. સાંસદ વિનોદ ચાવડાએ સભાઈબેન ગઢવીની સિદ્ધિઓને બિરદાવી રમતગમત ક્ષેત્રે કચ્છનું અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરવા બદલ વિશેષ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી ભુજ કવીઓ જૈન મહાજનના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા ટ્રસ્ટીઓ ગીરીશ છેડા, વિનોદ ગાલા, અમિત વોરા મહિલા પાંખના પ્રીતિબેન છેડા, ભક્તિબેન વોરા, કેતનાબેન નાગડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર છેડા પરિવાર વતી જ્યોતિબેન ગિરીશભાઈ છેડા પરિવારે સભાઈબેન ગઢવીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ગઢવી ચારણ સમાજ મુંબઈના પ્રમુખ વાલજીભાઈ ગઢવી, સભાઈબેન ગઢવીના પરિવારજનો પિતા વાછિયાભાઈ, દાદા મૂળજીભાઈ, ભાઈ રામભાઈ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા અંકિત ગાલા અને હર્નિશ મહેતાએ સંભાળી હતી.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
