News of Saturday, 1st August 2026
કચ્છના વિકાસને મળશે બુલેટ ગતિ: સામખિયાળી-ભચાઉ ફોર-ટ્રેક રેલવે લાઇન તૈયાર, DRMના આખરી નિરીક્ષણ બાદ ટૂંક સમયમાં શરૂ થશે વાણિજ્યિક ટ્રાફિક!
૩૨.૯૦ કિલોમીટરના ટ્રેક પર સફળ એન્જિન ટ્રાયલ પૂર્ણ; ૪ મોટા-૨૫ નાના પુલ સાથે રૂટ તૈયાર થતાં કંડલા-મુંદરા બંદરોની માલ-પરિવહન ક્ષમતામાં થશે મોટો ઉછાળો

ભુજ : કચ્છ જિલ્લામાં આવેલા કંડલા અને મુંદરા જેવા દેશના અગ્રણી મહાબંદરોને કારણે પશ્ચિમ રેલવેને સર્વાધિક માલ-ભાડાની કમાણી કરાવતા આ ક્ષેત્રમાં રેલવે વિભાગ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. સામખિયાળીથી ગાંધીધામ વચ્ચે નિર્માણ પામી રહેલા મહત્વકાંક્ષી ફોર-ટ્રેક (ચાર રેલવે લાઇન) પ્રોજેક્ટ અંતર્ગત સામખિયાળીથી ભચાઉ સુધીની ત્રીજી અને ચોથી લાઇનનું કામ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. સફળ એન્જિન ટ્રાયલ બાદ આજે અમદાવાદના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદપ્રકાશ દ્વારા આ નવા ટ્રેકનું સત્તાવાર અને આખરી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
ભૌગોલિક પડકારો વચ્ચે ૩૨.૯૦ કિમીની નવી રેલ લાઇનનું નિર્માણ
આ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ હેઠળ કુલ ૩૨.૯૦ કિલોમીટરની લંબાઈમાં નવી બે અલગ રેલ લાઈનો વિકસાવવામાં આવી છે; જેમાં ૧૬.૩૯૮ કિમી ડાઉન લાઈન અને ૧૬.૫૦૨ કિમી અપ લાઈનનો સમાવેશ થાય છે. ભૌગોલિક રીતે અત્યંત મુશ્કેલ ગણાતા આ પંથકમાં રેલવે દ્વારા ૬.૨૫ લાખ ઘનમીટર અર્થવર્ક, ૧.૨૭ લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ અને ૦.૯૬ લાખ ઘનમીટર બેલાસ્ટ (કાંકરી) પાથરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભારે માલગાડીઓના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ રૂટ પર ૪ મોટા અને ૨૫ નાના રેલવે પુલનું નવેસરથી નિર્માણ કરવામાં આવ્યું છે.
બંદરો અને ઔદ્યોગિક હબને મળશે સીધો મોટો ફાયદો
અમદાવાદ ડિવિઝનના DRM વેદપ્રકાશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, સામખિયાળી-ભચાઉ સેક્શન કચ્છના દેશવ્યાપી ઔદ્યોગિક વિસ્તારો તેમજ કંડલા-મુંદરા પોર્ટ્સને દેશના મુખ્ય રેલ નેટવર્ક સાથે જોડતી અત્યંત વ્યસ્ત અને આર્થિક રીતે મહત્વપૂર્ણ ધમની છે. ભુજ, ગાંધીધામ અને વાયોરથી થતાં મોટા પાયાના માલપરિવહનને કારણે આ રૂટ પરથી અમદાવાદ મંડળનું સર્વાધિક ટ્રાન્સપોર્ટેશન થાય છે. આ લાઇનના ફોર-ટ્રેકિંગથી હવે માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, ઝડપી અને સમયબદ્ધ બનશે.
સ્ટેશનોનું વિસ્તરણ અને ટૂંક સમયમાં ગ્રીન સિગ્નલ
નવા ફોર-ટ્રેક પ્રોજેક્ટને અનુરૂપ સામખિયાળી, વોંધ અને ભચાઉ રેલવે સ્ટેશનોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ મોટું વિસ્તરણ કરાયું છે, જ્યારે આ રૂટ પર આવતા ૯ લેવલ ક્રોસિંગ પણ પહોળા કરવામાં આવ્યા છે. સુરક્ષા મંજૂરીઓ, આખરી ઈન્સ્પેક્શન અને હાઈ-સ્પીડ ટ્રાયલની તમામ જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી આટોપી લઈને ખૂબ જ ટૂંક સમયમાં આ નવી રેલ લાઇનને વાણિજ્યિક ટ્રાફિક અને માલ-સામાનની હેરફેર માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
