News of Thursday, 24th September 2026
કચ્છની કૃપાલી બાબરિયાની જ્વલંત સિદ્ધિ : GSSSB-DFS પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 15મો ક્રમ
જનરલ મહિલા કેટેગરીમાં ત્રીજો ક્રમ મેળવી કચ્છ યુનિવર્સિટી અને પરિવારનું વધાર્યું ગૌરવ : GSET-2024માં પણ મેળવી હતી સફળતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં યોજાયેલી ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (DFS)ની લેબોરેટરી ટેકનિશિયન (રસાયણશાસ્ત્ર) ભરતી પરીક્ષામાં કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનની વિદ્યાર્થિની બાબરિયા કૃપાલી શંભુભાઈએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કૃપાલીએ સમગ્ર ગુજરાતમાં ઓલ ગુજરાત 15મો ક્રમ, જ્યારે જનરલ મહિલા કેટેગરીમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને પોતાની પ્રતિભા અને મહેનતનો પરચો આપ્યો છે. કૃપાલીની આ સિદ્ધિથી તેમના પરિવારજનો તેમજ કચ્છ યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે. અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા, સતત મહેનત અને ધ્યેયપ્રાપ્તિ માટેની લગનના પરિણામે તેમણે આ સફળતા મેળવી છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રસાયણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તેમજ સાયન્સ ફેકલ્ટીના ડીન ડૉ. વિજયકુમાર રામ, રસાયણશાસ્ત્ર ભવનના સમગ્ર અધ્યાપકગણ, માતા-પિતા તથા પરિવારજનોએ કૃપાલીને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કૃપાલી બાબરિયાએ GSET-2024માં પણ સફળતા મેળવી હતી. એક પછી એક શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી તેમણે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સફળતાના પગલે કૃપાલી બાબરિયા હવે ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ (DFS) ખાતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે પોતાની સેવાઓ આપશે. તેમની આ સિદ્ધિ કચ્છના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બની છે અને મહેનત, આત્મવિશ્વાસ તથા સતત પ્રયત્નોથી સફળતાના શિખરો સર કરી શકાય છે તેવો સંદેશ આપે છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
