<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

છ વર્ષથી પોલીસને ચકમો આપતો કચ્છનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર રાસુભા સોઢા ઝડપાયો: જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૩૭ થી વધુ ગુનાઓ

પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે વેશ પલટો કરી ૧૫ દિવસ સુધી જાળ બિછાવીને “મને પકડી બતાવો”નો પડકાર ફેંકનાર રાસુભા સોઢને ખાનાય ગામના જંગલમાંથી ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ :  પશ્ચિમ કચ્છમાં છેલ્લા છ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો-ફરતો વિદેશી દારૂનો મોસ્ટ વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગર રાસુભા ઉર્ફે રાસીયો તગજી સોઢા આખરે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના હાથે ઝડપાઈ ગયો છે. વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ૩૭થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીને ઝડપી લેવા પોલીસે ‘ઓપરેશન ખોજ’ હાથ ધર્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, અબડાસા તાલુકાના સોઢાકેમ્પ, ખાનાય ખાતે રહેતો રાસુભા સોઢા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહી વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતો હતો. તેની સામે નલીયા, નખત્રાણા, મુંદરા, માંડવી-માનકુવા, પધ્ધર, દયાપર, અંજાર, ભચાઉ, વાયોર, નારાયણ સરોવર અને પ્રાગપર સહિતના પોલીસ મથકોમાં ૩૭થી વધુ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે નખત્રાણા, પ્રાગપર, પધ્ધર, ભુજ બી ડિવિઝન અને અંજાર પોલીસ મથકના કુલ ૯ જેટલા ગુનાઓમાં તેની અટકાયત બાકી હતી. રાસુભાને ઝડપી પાડવા પશ્ચિમ કચ્છ LCBની વિશેષ ટીમે ખાનાયના જંગલ વિસ્તારમાં ખેડૂત અને સ્થાનિક લોકોનો વેશ ધારણ કરીને આશરે ૧૫ દિવસ સુધી ગુપ્ત રીતે વોચ રાખી હતી. કપરી ભૌગોલિક પરિસ્થિતિ અને ગરમી વચ્ચે શરૂઆતના દિવસોમાં સફળતા ન મળ્યા બાદ આખરે આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી.

આ બાતમીના આધારે LCBની ટીમે જંગલમાં બાવળની ઝાડીઓમાં છુપાઈને ત્રણ દિવસ સુધી નજર રાખી હતી. આરોપી એક નિર્જન સ્થળે સૂતો હોવાની માહિતી મળતાં જ પોલીસ જવાનો આશરે ૨૦૦ મીટર દૂરથી જમીન પર સરકતા-સરકતા (ક્રાઉલિંગ) તેની નજીક પહોંચ્યા હતા. ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા અને શ્યામ ગઢવી સહિતની ટીમે રાસુભાને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી અગાઉ પોલીસ સાથે હુમલાખોર વર્તન કરવા માટે પણ જાણીતો હતો અને છેલ્લા છ વર્ષથી પોલીસને પડકારતો હતો. સરહદી રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ LCB PI એ.એમ. મકવાણાની આગેવાનીમાં રચાયેલી વિશેષ ટીમે આખરે આ પડકારનો અંત લાવ્યો છે.

આ કામગીરીમાં પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ તથા વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, અશ્વિન સોલંકી, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનિલ પરમાર, મયુરધ્વજસિંહ જાડેજા, શ્યામ ગઢવી, મહેશ ચૌહાણ સહિતના LCB સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઝડપાયેલા આરોપી સામે બાકી રહેલા ગુનાઓ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:32 AM IST)