<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

દુષ્કાળના પડકાર વચ્ચે કચ્છનું ભાડા ગામ ઘાસચારામાં બન્યું આત્મનિર્ભર: ફોડર બેંક થકી ગામના પશુધનને મળ્યું સુરક્ષિત ભવિષ્ય

રિલાયન્સ ફાઉન્ડેશન અને કચ્છ ફોડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટની પહેલને ગ્રામજનોની સામૂહિક ભાગીદારીનો સાથ, સામુદાયિક ચારા પ્લોટમાંથી ૧૦ હજાર કિલો લીલા ચારાની પ્રથમ લણણી બાદ ફોડર બેંક (ઘાસચારા બેંક) થકી દુષ્કાળમાં પશુપાલકોને રાહત સાથે ગ્રામ્ય આજીવિકાની આશા જીવંત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  કચ્છમાં અનિયમિત વરસાદ અને દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે પશુધન માટે ઘાસચારાની અછત પશુપાલકોની આજીવિકા સામે મોટો પડકાર બની રહી છે. ત્યારે દુષ્કાળ સામે લડવા માટે માત્ર સરકારી સહાયની રાહ જોવાને બદલે સામૂહિક પ્રયાસોથી આત્મનિર્ભરતાનો માર્ગ કંડારી શકાય તેનું પ્રેરણાદાયી ઉદાહરણ ભાડા ગામે પૂરું પાડ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને કચ્છ ફોડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ (KFFDT)ના સહયોગથી ગામમાં વિકસાવાયેલા સામુદાયિક ઘાસચારા પ્લોટે આજે ચારા બેંકનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે આશરે ૫૦૦ પશુધન માટે આશીર્વાદરૂપ બન્યો છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઓક્ટોબર ૨૦૨૪માં ભાડા ગામમાં આ પહેલનો પ્રારંભ એક હેક્ટરના સામુદાયિક ચારા પ્લોટથી કરવામાં આવ્યો હતો. ગ્રામજનોની સામૂહિક ભાગીદારી અને સંસ્થાકીય સહયોગથી આ વિસ્તાર વધારી બે હેક્ટર કરવામાં આવ્યો હતો. પ્રથમ લણણીમાં આશરે ૧૦ હજાર કિલો લીલા ચારાનું ઉત્પાદન મળ્યું હતું, ત્યારબાદ છ વખત વધુ પાક લઈ ઘાસચારાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ પહેલની વિશેષતા એ છે કે વધારાના લીલા ચારાને શાફ્ટ કટરની મદદથી પ્રોસેસ કરી સંગ્રહિત કરવામાં આવ્યો છે, જેથી વરસાદની અછત અને ચારા સંકટના સમયમાં તેનો ઉપયોગ થઈ શકે. આમ, સામાન્ય ઘાસચારા પ્લોટને ગ્રામજનોની સહભાગિતાથી સામુદાયિક ચારા બેંકમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.

કચ્છના અનેક વિસ્તારોમાં ઘાસચારાની અછતને કારણે પશુપાલકોને બહારથી મોંઘા ભાવે ચારો ખરીદવાની ફરજ પડી રહી છે, ત્યારે ભાડા ગામના પશુપાલકો સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ચારા બેંકના કારણે બહારથી ઘાસચારો ખરીદવા પરની નિર્ભરતા ઘટાડી શક્યા છે.

ભાડા ગામના સમુદાયના આગેવાન શામળાભાઈ ગઢવીએ આ સફળતા અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ અમારું ગામ ઘાસચારાની બાબતમાં આત્મનિર્ભર બન્યું છે.”

રિલાયન્સ ફાઉન્ડેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડા અનિમેશ પ્રકાશે જણાવ્યું હતું કે, આ અનુભવ દર્શાવે છે કે સામુદાયિક માલિકી અને સામૂહિક આયોજન દ્વારા આબોહવાની વિષમ અસરો સામે અસરકારક રક્ષણ મેળવી શકાય છે. સ્થાનિક સ્તરે ઘાસચારાનો અનામત જથ્થો ઊભો થવાથી પશુધનનું સ્વાસ્થ્ય જળવાય છે અને પશુપાલકોના આર્થિક ભારણમાં પણ ઘટાડો થાય છે.

આમ, રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલ, કચ્છ ફોડર ટ્રસ્ટનો સહયોગ અને ગ્રામજનોની એકજૂથ મહેનતે ભાડા ગામને દુષ્કાળ સામે ટકી રહેવાની નવી તાકાત આપી છે. આ પહેલ સાબિત કરે છે કે સામૂહિક સંકલ્પ અને સ્થાનિક સંસાધનોનું યોગ્ય આયોજન હોય તો દુષ્કાળની વચ્ચે પણ પશુધન અને ગ્રામ્ય આજીવિકાની આશા જીવંત રાખી શકાય છે.

(9:40 AM IST)