<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

રણોત્સવ૨૦૨૬-૨૭ના આયોજન માટે કચ્છનું તંત્ર સજ્જ: પ્રવાસીઓની સુવિધા અને સ્વચ્છતા ઉપર ભાર

કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ધોરડોમાં કોર કમિટીની બેઠક; સફેદ રણ વ્યૂ પોઈન્ટ સહિતનાં સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ : આગામી રણોત્સવ-૨૦૨૬-૨૭ને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને સુવિધાસભર અને યાદગાર અનુભવ મળે તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ધોરડો ખાતે જિલ્લા કોર કમિટીની બેઠક યોજાઈ હતી. તેમાં વિવિધ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરી સમયસર કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. રણોત્સવ દરમિયાન ટેન્ટ સિટી અને ગેટવે ટુ રણ રિસોર્ટની સુવિધાઓ ઉપરાંત સફેદ રણ, રોડ ટુ હેવન અને ધોળાવીરા ખાતે પ્રવાસીઓની સુરક્ષા, ટ્રાફિક નિયમન તથા પરિવહન વ્યવસ્થા સુદૃઢ બનાવવા ચર્ચા કરાઈ હતી. આ વિસ્તારોમાં સંકલન અને દેખરેખ માટે અલગ ટીમોની રચના કરીને સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.

કલેક્ટરે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીને પ્રાથમિકતા આપતાં પ્લાસ્ટિકમુક્ત વિસ્તાર, ઘન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ અને અનધિકૃત દબાણો દૂર કરવા ભાર મૂક્યો હતો. સાથે જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, રસ્તાઓની મરામત, સેનિટેશન, વીજ પુરવઠો, કાયદો અને વ્યવસ્થા, એડવેન્ચર સ્પોર્ટ્સમાં સલામતીનાં ધોરણો તેમજ પ્રવાસીઓની ફરિયાદોના ઝડપી નિવારણ માટે આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠક બાદ કલેક્ટર અનિલ રાણાવસિયાએ અધિકારીઓની ટીમ સાથે સફેદ રણ વ્યૂ પોઈન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ, ક્રાફ્ટ બજાર અને ગેમ ઝોનની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. એસટી બસ દ્વારા પ્રવાસીઓની અવરજવર તથા વ્યૂ પોઈન્ટ સુધીની કનેક્ટિવિટી અંગે પણ વિગતો મેળવી હતી.

આ બેઠકમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અધિક કલેક્ટર પી.એલ. વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, વિવિધ પ્રાંત અધિકારીઓ, પોલીસ અને વહીવટી વિભાગોના અધિકારીઓ, ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયાં હુશેન તથા બીએસએફના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:50 AM IST)