<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

દારૂના દુષણ સામે કચ્છના વલ્લભપર ગામે દોરી ‘લક્ષ્મણ રેખા’: સર્વાનુમતે પાંચ નિયમો ઘડાયા; દારૂ પીનારને ૧૦૦૦ અને વેચનારને ૫૦૦૦ દંડ : બીજીવાર પકડાય તો પોલીસને સોંપવાનો નિર્ણય

૧૫૦૦ ની વસ્તી ધરાવતા ગામમાં સમાજવાડી ખાતે બેઠકમાં આગેવાનો, વડીલો, બહેનો-દીકરીઓ અને યુવાનોની હાજરીમાં સર્વાનુમતે દારૂના દુષણને ગામમાંથી જાકારો આપવાનો સંકલ્પ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : કચ્છના વાગડ વિસ્તારમાં દારૂના દુષણ સામે જાગૃતિ વધી રહી છે ત્યારે રાપર તાલુકાના વલ્લભપર ગામે દારૂબંધીના સજ્જડ અમલ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે ૧૫૦૦ ની વસ્તી ધરાવતા ગામમાં સમાજવાડી ખાતે યોજાયેલી બેઠકમાં આગેવાનો, વડીલો, બહેનો-દીકરીઓ અને યુવાનોની હાજરીમાં સર્વાનુમતે દારૂના દુષણને ગામમાંથી જાકારો આપવાનો સંકલ્પ લેવાયો હતો.

બેઠકમાં દારૂબંધીના અમલ માટે પાંચ નિયમો ઘડવામાં આવ્યા છે. જેમાં દારૂ પીધેલી હાલતમાં પકડાય તો રૂ. ૧૦૦૦  દંડ, જ્યારે દારૂનું વેચાણ કરનારને રૂ. ૫૦૦૦ નો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. દારૂના કેસમાં ગામનો કોઈ વ્યક્તિ પકડાય અને તેના જામીન માટે કોઈ વ્યક્તિ આગળ આવે તો જામીનદારને પણ રૂ. ૫૦૦૦ નો દંડ કરવામાં આવશે. ઉપરાંત, દારૂ પીનાર કે વેચનાર બીજી વખત પકડાય તો તેને ગામવાસીઓ દ્વારા સીધો પોલીસ સ્ટેશનને સોંપવાનો નિર્ણય લેવાયો છે.

આ નિયમોના પાલન અને ગામમાં દારૂબંધીની રખેવાળી માટે ગ્રામજનોની એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. ગ્રામજનોનો સ્પષ્ટ મત છે કે દારૂના દુષણ સામે માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતી નથી, પરંતુ સામૂહિક જાગૃતિ અને સામાજિક જવાબદારીથી પણ આ લડતને મજબૂત બનાવવી જરૂરી છે.

વલ્લભપર ગામને ગાંધીવાદી અને સર્વોદય કાર્યકર સ્વ. મગનભાઈ સોનીની સેવાભાવી સાધનાથી વિશેષ ઓળખ મળી હતી. વર્ષ ૧૯૫૧ માં ગામનું તોરણ બંધાયું હતું અને ત્યારબાદ ૧૯૫૨ માં સ્વ. મગનભાઈ સોનીએ ધોરણ ૧ થી ૭ ની શાળા સાથે છાત્રાલય શરૂ કર્યું હતું. સહકારી ક્ષેત્રે પણ ગામે નોંધપાત્ર કામગીરી કરી હતી.

જોકે, સેવાભાવી આગેવાનોની વિદાય બાદ છેલ્લા દોઢેક દાયકામાં ગામમાં દારૂના દુષણનો પ્રભાવ વધ્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે. એક સમયે દારૂની લત પેઢી દર પેઢી આગળ વધતી જતાં સામાજિક અને પારિવારિક પ્રશ્નો ઊભા થયા હતા. ખાસ કરીને બહેન-દીકરીઓની સલામતી અને ગૌરવ અંગે પણ ચિંતા ઊભી થઈ હતી.

તાજેતરમાં ખારસરવાંઢથી નીકળેલી હંસ નિર્વાણના જયજયકાર સાથેની કોળી સમાજની શિક્ષણ રથયાત્રા વલ્લભપર પહોંચી હતી. આ પ્રસંગે ગામના જાગૃત સરપંચ સામાભાઈ રાયજણ મકવાણા, ફૂટબોલ કોચ અને એમ.એ. સુધી અભ્યાસ કરેલા જીગર રણશી મકવાણા, ઈશ્વર વીરા પરસોંડ, કિરણ પાંચાભાઈ પરસોંડ સહિતના આગેવાનોએ ગામમાં દારૂની દાદાગીરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ ચર્ચા બાદ ગ્રામજનો એકસાથે આવ્યા અને દારૂના દુષણને ગામમાંથી દેશવટો આપવાનો સંકલ્પ કર્યો. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સાથે ‘દારૂથી નથી કરવો વિનાશ’ના સંદેશને આગળ ધપાવતા વલ્લભપર ગામે દારૂબંધીના સજ્જડ અમલની શરૂઆત કરી છે.

ગ્રામજનોનો આ નિર્ણય વાગડ વિસ્તારમાં સામાજિક જાગૃતિ અને નશામુક્તિ તરફનું મહત્વનું પગલું બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:23 AM IST)