<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

કેશોદ નગરપાલિકાની પ્રવર્તમાન ચૂંટણીમા અપક્ષ ઉમેદવારનો અભાવઃ લગભગ સૌપ્રથમ ઘટના

રમુજમાં અપક્ષ વગરની ચૂંટણીને ‘અણવર વગરની જાન' જેવી ગણાવતા લોકો! : એક થી નવ વોર્ડ મા એક પણ અપક્ષ નહીં: જાણકારો કહે છે કે, છેલ્‍લા બે દશકા મા યોજાયેલ પાલિકાની એક પણ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ગેરહાજરી જોવા મળેલ નથીઃ લોકો કટાક્ષ સાથે સવાલ કરી રહ્યા છે કે, ચૂંટણીઓ ખર્ચાળ બનેલ છે ત્‍યારે ચૂંટણી લડવા ઈચ્‍છુક અપક્ષ ઉમેદવારો ને શું મોંઘવારી નડી ગઈ કે પછી અન્‍ય કોઈ દબાણ?!

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૦: સ્‍થાનિક નગરપાલિકાની પ્રવર્તમાન ચૂંટણીમાં કુલ ૯૨ ઉમેદવારો ચૂંટણી લડીલ રહેલ છે. જોકે ભૂતકાળમા પાલિકાની ચૂંટણીઓ લગભગ અપક્ષ વગર જોવા મળેલ નથી જેની સરખામણીમાં હાલના ચૂંટણી જંગમાં કેશોદ પાલિકાના નવ વોર્ડ માંથી એક પણ વોર્ડ મા સૌપ્રથમ વખત અપક્ષ ઉમેદવારની હાજરી નહીં જણાતા આ બાબત રસ ધરાવતા લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે. લોકો રમુજમાં '' પાલિકાની આ અપક્ષ વગરની ચૂંટણીને ' અણવર ' વગરની જાન  જેવી ગણાવી રહ્યા છે !     

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના પડધમ વાજા વાગી રહ્યા છે. આગામી તારીખ ૨૬ ને રવિવારના રોજ યોજાનાર ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ચૂંટણી જંગના મેદાનમાં ઉતરતા ત્રિપંખીઓ જંગ જામેલ છે.આ ચૂંટણી સાથે કેશોદ મતવિસ્‍તારને લાગ્‍યો વળગે છે ત્‍યાં સુધી સ્‍થાનિક નગરપાલિકાની ૩૫ બેઠક પર ૯૨ ઉમેદવારો, કેશોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠક પર ૫૮ ઉમેદવારો તથા જિલ્‍લા પંચાયતની (અગતરાય, અજાબ, બાલાગામ તથા મેસવાણ મળી ) ૪ બેઠક પર ૧૩ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે.

સ્‍થાનિક નગરપાલિકાશની પ્રવર્તમાન ચૂંટણીની વાત કરીએ તો સૌથી વિશેષ ધ્‍યાન ખેંચનારી બાબત એ જણાઈ રહેલ છે કે, ૨૦૨૬ ની કેશોદ પાલિકાની આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો તદ્દન અભાવ જોવા મળેલ છે. જેને જાણકારો છેલ્‍લા બે દશકા ની પાલિકા ચૂંટણી ના ઇતિહાસમાં લગભગ સૌપ્રથમ ઘટના હોવાનું માનીરહ્યા છે.

મજબૂત લોકશાહી માટે ભારતમાં રહેતા પ્રત્‍યેક નાગરિકને ચૂંટણી લડવાનો તથા મતદાન કરવાનો અબાધિત અધિકાર મળેલ છે, ત્‍યારે સામાન્‍ય રીતે નગરપાલિકા કક્ષાની ચૂંટણી સ્‍થાનિક હોય જાહેર જીવનમાં આવવા માટે સ્‍થાનિક ચૂંટણી એક પ્‍લેટફોર્મ સમાન બની જતી હોય છે. જિલ્‍લા પંચાયત, ધારાસભા અથવા લોકસભા ની ચૂંટણી ની સરખામણીમાં આ ચૂંટણીમાં પર્ફોમસ આપવા માટે એક વોર્ડ ( મર્યાદિત વિસ્‍તાર ) પૂરતુજ સીમિત હોય માત્ર પોતાના વોર્ડ કે વિસ્‍તારમાં એક્‍ટિવ અથવા લોક ચાહના ધરાવતા લોકો પોતાની કાબેલિયત પુરાવાર કરવા કોઈપણ પક્ષના બંધન વગર વ્‍યક્‍તિગત રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવી સેવાભાવ અથવા સ્‍વાર્થભાવ સાથે ચૂંટણીમાં ઝંપલવતા હોય છે. ચૂંટણીની ટિકિટ આપવા માટે રાજકીય પક્ષોની પણ મર્યાદા હોય છે ત્‍યારે ચૂંટણી લડવા ઈચ્‍છુક વ્‍યક્‍તિ વિકલ્‍પ રૂપે અપક્ષ ઉમેદવારી કરવા પર પસંદગી ઉતારે છે.

બીજી તરફ કેટલાક કિસ્‍સાઓમાં ચૂંટણીની ટિકિટ ન મળતા પાર્ટી સામે નારાજ થઈ ને, તો કેટલાક લોકો પાર્ટી કે સામેના ઉમેદવાર સામે ચૂંટણીના માધ્‍યમથી રાજકીય રીતે બદલો લેવા ( હરાવવા) કે તેમનો વિરોધ કરવા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હોય છે. ક્‍યારેક સામેના રાજકીય પક્ષ નો ઉમેદવાર જો મજબૂત હોય તો તેમના મતોનું વિભાજન કરાવવા ( મત કપાવવા) માટે પણ રાજકીય પાર્ટી કે તેમના ઉમેદવાર દ્વારા અપક્ષ ઉમેદવારન ને ચૂંટણીમાં ઉભો રાખવામાં આવતો હોય છે આમ એન કેન પ્રકારે જીતવા માટે અથવા તો સામેની પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે ક્‍યારેક રાજકીય પક્ષો દ્વારા પડદા પાછળથી અપક્ષનો ઉપયોગ કરવામાં પણ આવતો હોય છે. અને આ રાજકીય દાવ પેચ અને પરાકાષ્ઠા નો સીલસીલો લગભગ સ્‍થાનિક પંચાયતની ચૂંટણીથી લઈને ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળે છે.

કુલ ૯ વોર્ડ ના ભૌગોલિક વિસ્‍તારમાં ૩૬ બેઠકો ધરાવતી સ્‍થાનિક નગરપાલિકાની પ્રવર્તમાન ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થતા બાકી રહેલ ૩૫  બેઠક માટે મુખ્‍યત્‍વે ભાજપના ૩૫ , કોંગ્રેસના ૩૩ તથા આમ આદમી પાર્ટીના ૨૪ મળી કુલ ૯૨ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે. પરંતુ આ ચૂંટણીમાં એક પણ અપક્ષ ઉમેદવાર નથી.

અડધા લાખ થી પણ વધુ મતદારો ધરાવતી સ્‍થાનિક નગરપાલિકા ની ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગ વચ્‍ચે અપક્ષ નું અસ્‍તિત્‍વ નહીં જણાતા આ બાબતે પ્રવર્તમાન ચૂંટણીને અપવાદરૂપ ગણાવતા જાણકારો કહી રહ્યા છે કે, ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવાર સિવાય પ્રવર્તમાન ચૂંટણીમાં કુલ નવ માંથી એક પણ વોર્ડ મા અપક્ષ ની હાજરી જણાયેલ નથી. લગભગ છેલ્‍લા ૨૦ વર્ષમાં સ્‍થાનિક પાલિકાની યોજાયેલ ચૂંટણીઓ પર નજર કરવામાં આવે તો એક પણ ચૂંટણી મા અપક્ષ ઉમેદવાર ની ગેરહાજરી જોવા મળેલ નથી. ભૂતકાળમાં હાર - જીત ને ગૌણ ગણી જુદા જુદા વોર્ડમાં એક કે તેથી વધુની સંખ્‍યામાં અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેતા હતા અને સક્ષમ અપક્ષ ઉમેદવારો મુખ્‍ય પાર્ટીના હરીફ ઉમેદવને ટક્કર પણ આપતા હતા. ખાસ કરીને સ્‍થાનિક ચૂંટણીઓમાં એક માત્ર મત થી પણ હાર - જીત થતી હોવાના કિસ્‍સાઓ જોવા મળેલ છે. ત્‍યારે ક્‍યારેક ચૂંટણીના પરિણામો પલ્‍ટી નાખવા માટે અપક્ષની ભૂમિકા મહત્‍વનો ભાગ ભજવતી હોય છે.                    

દરમિયાન ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ તોતિગ ખર્ચા પણ કરવા પડતા હોય છે ત્‍યારે પ્રવર્તમાન ચૂંટણીમાં જોવા મળેલ અપક્ષ ની બાદબાકી અંગે લોકો કટાક્ષ સાથે સવાલ કરી રહ્યા છે કે, ખરેખર શું ચૂંટણી લડવા ઈચ્‍છુક અપક્ષ ઉમેદવારોને પણ મોંઘવારી નડી ગઈ છે કે પછી અન્‍ય કોઈ દબાણ ..... ?!

(1:22 PM IST)