<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતરમાં ૮ કલાકમાં ૮ ઇંચ વરસાદથી જળબંબાકાર : ૧૦ તાલુકામાં રેડ એલર્ટ જાહેર

મુળી અને ચુડાના નીચાણવાળા ગામોને તંત્રની સાવધાની રાખવા અપીલ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧: સુરેન્‍દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર તબાહી મચાવી છે. છેલ્લા ૮ કલાકમાં જિલ્લામાં ૮ ઇંચ સુધી ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાયા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.લખતરમાં સૌથી વધુ ૧૯૭ મીમી એટલે કે ૮ ઇંચ વરસાદ પડ્‍યો છે.

આ સિવાય વઢવાણ ૧૭૨ મીમી, ચુડા ૧૭૧ મીમી, મુળી ૧૪૧ મીમી, સાયલા ૧૨૪ મીમી, થાનગઢ ૯૮ મીમી, દસાડા ૯૭ મીમી, ધ્રાંગધ્રા ૯૪ મીમી, ચોટીલા ૮૯ મીમી અને લીંબડી ૮૫ મીમી વરસાદ નોંધાયો છે.

સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સતત વરસાદના કારણે જિલ્લાના બે મહત્‍વના ડેમ મુળીનો નાયકા ડેમ અને ચુડાનો વાંસલ ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્‌લો થયા છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્‍તારોમાં પૂર જેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે.

ભારે વરસાદ અને ડેમ ઓવરફ્‌લોની સ્‍થિતિને પગલે સમગ્ર સુરેન્‍દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. જિલ્લા કલેક્‍ટર અને વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના લોકોને પોતાના પશુધન અને માલ-મિલકત સાથે ઊંચાણવાળા સ્‍થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.SDRF અને સ્‍થાનિક ટીમોને સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે. અધિકારીઓએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને હવામાનની સ્‍થિતિ પર નજર રાખવાની સલાહ આપી છે.હાલ જિલ્લામાં વરસાદ યથાવત રહેતા આગામી ૨૪ કલાક માટે પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

(4:11 PM IST)