News of Sunday, 16th August 2026
સૌરાષ્ટ્રના રાણપરની સીમમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: રૂ. ૧૩.૨૭ લાખનો મુદ્દામાલ કબજે, બે બુટલેગર ફરાર
ખરાબાની જગ્યામાં છુપાવેલો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ અને બિયર એલસીબીએ શોધી કાઢ્યા: ૧,૮૩૮ બોટલ અને ૩૬૦ બિયર કેન જપ્ત

જામખંભાળિયા: (કૌશલ સવજાણી દ્વારા): દેવભૂમિ દ્વારકા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાણવડ પોલીસ મથક વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી રાણપર ગામની સીમમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ તથા બિયરનો રૂ. ૧૩,૨૭,૭૦૬નો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો મૂકનાર તરીકે સામે આવેલા બે શખ્સો હાથ લાગ્યા ન હોવાથી તેમને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા બુટલેગરો તથા તેમની સાથે સંકળાયેલા લોકો પર સતત વોચ રાખી કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો કાર્યવાહી કરી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી, એલસીબીની ટીમ ત્રાટકી
એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આર. સરસેટા સ્ટાફ સાથે ભાણવડ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ રાણપરના ખીમા ઉર્ફે લાખો બોઘાભાઇ શામળા રબારી અને ધામણી નેસના બધાભાઇ કાનાભાઇ રબારીએ બહારથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ભાગીદારીમાં મંગાવ્યો હતો.
આ જથ્થો રાણપર ગામની સીમમાં ખેતલા આપા-હબીબ જર નજીક, અનિલભાઇ ગોપાલભાઇ મેરની વાડીની બાજુની ખરાબાની જગ્યામાં સંતાડવામાં આવ્યો હોવાની માહિતી મળતાં એલસીબીની ટીમે સ્થળે દરોડો પાડ્યો હતો. તપાસમાં અલગ-અલગ બ્રાન્ડનો દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
રોયલ ચેલેન્જની ૯૦૬ અને રોયલ સ્ટેગની ૫૭૪ બોટલ મળી
પોલીસે દરોડા દરમિયાન રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની ૯૦૬ બોટલ, જેની કિંમત રૂ. ૬,૨૧,૫૧૬, રોયલ સ્ટેગ એક્સક્વિઝિટ વ્હિસ્કીની ૫૭૪ બોટલ, કિંમત રૂ. ૩,૯૩,૭૬૪, તથા ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કીની ૩૫૮ બોટલ, કિંમત રૂ. ૨,૬૭,૪૨૬ કબજે કરી હતી.
આ ઉપરાંત કિંગફિશર સ્ટ્રોંગ સ્પેશિયલ પ્રીમિયમ બિયરના ૩૬૦ ટીન કેન, કિંમત રૂ. ૪૫,૦૦૦, પણ મળી આવ્યા હતા.
આમ પોલીસે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની કુલ ૧,૮૩૮ બોટલ, કિંમત રૂ. ૧૨,૮૨,૭૦૬, તેમજ બિયરના ૩૬૦ કેન, કિંમત રૂ. ૪૫,૦૦૦ મળી કુલ રૂ. ૧૩,૨૭,૭૦૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બંને આરોપીઓ ફરાર, ભાણવડ પોલીસને તપાસ સોંપાઈ
આ કેસમાં ખીમા ઉર્ફે લાખો બોઘાભાઇ શામળા રબારી, રહે. રાણપર, તા. ભાણવડ અને બધાભાઇ કાનાભાઇ રબારી, રહે. ધામણી નેસ, તા. ભાણવડને ફરાર દર્શાવવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ દારૂ-બિયરનો જથ્થો તથા કેસની આગળની કાયદેસરની કાર્યવાહી માટે મામલો ભાણવડ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.
એલસીબીની ટીમની કાર્યવાહી
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આર. સરસેટા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. વી. કાંબલિયા, સહાયક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, નરસિંહભાઇ સોનગરા, દીપકભાઇ રાવલિયા, હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ કરમુર, તેજાનંદભાઇ બેરા, મુકેશભાઇ કેશરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
