<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સોમનાથ મંદિર કોરિડોર માટે મોટા પાયે ડિમોલિશન: મંદિરની આસપાસ વિશ્વકક્ષાનો ભવ્ય કોરિડોર બનાવવાની કામગીરી તેજ : પહેલા જ દિવસે ૭૨થી વધુ હોટલો અને મકાનો તોડી પડાયાં, કુલ ૫૦૫ મિલકતો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

૩૫ હજાર ચોરસ મીટર વિસ્તારમાં જમીન સંપાદન : દસ જેસીબી અને પચાસ ટ્રેક્ટરો સાથે કામગીરી : એક મહિના સુધી કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા

સોમનાથ  : વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની આસપાસ ભવ્ય કોરિડોર બનાવવાની યોજનાના ભાગરૂપે આજે મોટા પાયે ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ૭૨થી વધુ મિલકતોમાં આવેલી હોટલો, રહેણાંક મકાનો તથા અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

 

ગીર સોમનાથના કલેક્ટર જે.એન. વાઘેલાના જણાવ્યા મુજબ મંદિર કોરિડોર માટે આશરે ૩૫ હજાર ચોરસ મીટર વિસ્તારમાં આવેલી કુલ ૫૦૫ રહેણાંક અને વેપારી મિલકતોનું છેલ્લા છ મહિનામાં સંપાદન કરવામાં આવ્યું છે. સંપાદિત મિલકતો દૂર કરવાની કામગીરી આગામી એક મહિના સુધી ચાલુ રહેવાની છે.

 

આજે આશરે ૨૭ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં ચાર હિટાચી મશીનો, દસ જેસીબી અને લગભગ પચાસ ટ્રેક્ટરોનો ઉપયોગ થયો હતો. કાટમાળ દૂર કરવાની કામગીરી પણ એકસાથે ચાલુ રાખવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા સંપાદિત જમીન ઉપર કોરિડોરનો વિકાસ કરવામાં આવશે. મંદિર પરિસરને આધુનિક યાત્રાધામ, સાંસ્કૃતિક કેન્દ્ર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો હેતુ છે. આગામી તબક્કામાં માર્ગો તથા યાત્રિકોની સુવિધાઓનું આયોજન કરવામાં આવશે. 

(11:22 PM IST)