તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ભુજ નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ વચ્ચે આત્મવિલોપનના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ લારીધારકો સાથે સુખદ્દ સમાધાનનો દાવો
પાલિકા કચેરીની છત પર ચડનાર સામાજિક આગેવાનને ફાયર વિભાગે સુરક્ષિત નીચે ઉતારી લારીધારકો માટે તબક્કાવાર વૈકલ્પિક જગ્યા ફાળવવાની ખાતરી આપી, જોકે દબાણ સામે ઝુંબેશ ચાલુ રહેવાનો પાલિકા તંત્રનો હુંકાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભુજ શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ વચ્ચે સોમવારે ભુજ નગરપાલિકા કચેરી ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. શેરી ફેરિયાઓને હટાવવાની કામગીરીના વિરોધમાં સામાજિક આગેવાન મહમદ લાખા પાલિકા કચેરીની છત પર ચડી ગયા હતા અને આત્મવિલોપનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને નગરપાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. આગેવાનને સમજાવટથી નીચે ઉતારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બાદમાં ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા.
આ ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, ટાઉન પ્લાનિંગ ચેરમેન જગત વ્યાસ અને ચીફ ઓફિસર ટ્વિન્કલબેન પટેલની હાજરીમાં તાકીદની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ શેરી ફેરિયાઓ અને નગરપાલિકા તંત્ર વચ્ચે મુદ્દાનું સુખદ સમાધાન થયાનો પાલિકાએ દાવો કર્યો હતો. નગરપાલિકાના જણાવ્યા મુજબ લારીધારકોને તબક્કાવાર વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. પ્રથમ તબક્કામાં કાર્ડધારક ફેરિયાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને ત્યારબાદ અન્ય લારીધારકો માટે વિચારણા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશ અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક લારીધારકોએ સ્વેચ્છાએ પોતાની લારીઓ હટાવી તંત્રને સહકાર આપ્યો છે. જોકે, વૈકલ્પિક વ્યવસ્થાની માંગને લઈને અગાઉથી વિરોધ અને રજૂઆતો થઈ રહી હતી. સોમવારની ઘટનામાં થોડા સમય માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે, તંત્ર અને અગ્રણીઓની દરમ્યાનગીરી બાદ વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી સાથે હાલ પૂરતો મામલો શાંત થયો છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
