તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
કેશોદના વોર્ડ નંબર આઠમાં અઢી દસકાથી પ્રત્યેક ચૂંટણીમાં સ્વ. હરેશભાઇ ભોપાળાના નામનો ‘સિક્કો' ચાલે છે!
ભોપાળા પરિવારનો દબાદબો આજે પણ અકબંધઃ આયાતી ઉમેદવાર પણ સહેલાઈથી ચૂંટાઈ જાય છે ! પત્ની પાલિકા પૂર્વ પ્રમુખ જીવીબેન, પુત્ર ભાજપ અગ્રણી ચિરાગભાઈ, પાર્થભાઈએ સંભાળ્યો રાજકીય અને સેવાકીય વારસોઃ ફરિયાદોના નિરાકરણ માટે ૧૨૦૦ મેમ્બર્સનું વ્હોટસએપ ગ્રુપ, ઓનલાઇન સેવા તદ્દન ફ્રી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ર૯: વોર્ડ નંબર આઠમાં કહેવાય છે કે, સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં લગભગ છેલ્લા અઢી દસકાથી ભાજપના નામે નહીં પરંતુ ભાજપના કર્તવ્યનિષ્ઠ અગ્રણી અને પાલિકાના પૂર્વ સદસ્ય સ્વ. હરદાસભાઈ (હરેશભાઈ) ભોપાળા પરિવાર ના નામથી પાલિકા ની ચૂંટણી માં ભાજપ ની પેનલ, પેનલ ટુ પેનલ ચૂંટાય છે. છેલ્લા ૨૬ વર્ષથી આ વિસ્તાર ના લોકો તેમના ‘‘નામ અને કામ''થી પરિચિત છે.
અત્રે નોંધનીય છે કે, પાલિકા થી માંડી પાર્લામેન્ટ સુધી ની પ્રત્યેક ચૂંટણીઓમાં ભાજપને બહુમતી અપાવવા માં આ વિસ્તાર ના મત નિર્ણાયક બને છે.
જાણકારોના જણાવ્યા મુજબ હરેશભાઈ ના નામથી ચાહકોમાં પરિચિત હરદાસભાઇ મેસુરભાઈ ભોપાળા ૭ જુલાઈ ૧૯૧૪ ના રોજ સ્વર્ગસ્થ થયેલ છે. આમ છતાં બાર વર્ષ બાદ પણ વોર્ડ નંબર આઠમાં ભોપાળા પરિવારના નામ અને કામ ની સુવાસ થી પાલિકામાં ભાજપના સદસ્યો સારી લીડના મતોથી જીતે છે. તેમની લોકપ્રિયતા એ તેમના વિસ્તારની ચાર બેઠકો પરથી ભોપાળા પરિવારના નેતળત્વ હેઠળની પેનલ સિવાય લગભગ આજ દિન સુધી અન્ય કોઈ ઉમેદવાર ને ચૂંટાવાની તક મળવા દીધી નથી.
પોતાના મતવિસ્તાર વોર્ડ નંબર ૮ મા પાણી, સફાઈ, લાઈટ, ગટર સહિત ની નગરપાલિકા દ્વારા મળતી પ્રાથમિક સુવિધા છે વાડાના ઘર સુધી પહોંચે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. દરરોજ પોતાના વિસ્તારમાં ફરી લોકો નો સામેથી સંપર્ક કરી જે કાંઈ પ્રશ્નો હોય તે સાંભળી તેનું તાત્કાલિક અસરથી નિરાકરણ લવતા. પાલિકા સંબંધી આવક ના દાખલા, જન્મ - મરણનું પ્રમાણપત્ર, લગ્ન સર્ટિફિકેટ જેવા જુદા જુદા જરૂરી કામો ઉપરાંત મામલતદાર ઓફિસ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ, પોલીસ સ્ટેશન સહિત સરકારી કાર્યાલયો ના કામો માટે સ્વ. હરેશભાઈ ભોપાળા અરજદારની સાથે જઈ તેઓના કામો કરી આપતા.
તેઓના અવસાન બાદ આજે પણ તેમના ધર્મપત્ની પાલિકા પૂર્વ પ્રમુખ જીવીબેન, પુત્રો ભાજપ અગ્રણી ચિરાગભાઈ તથા પાર્થભાઈ તેમના પગલે ચાલી રહ્યા છે. તેઓનો રાજકીય અને સેવાકીય વારસો તેમના પત્ની તથા પુત્રો સંભાળી રહ્યા હોય આજે પણ ભોપાળા પરિવારની લોક ચાહના યથાવત રહેવા પામેલ છે.
સ્વ. હરેશભાઈ ભોપાળા ૧૯૮૯ થી રાજકારણમાં પ્રવેશ્યા બાદ છેલ્લે સુધી સક્રિય રહેલ હતા. વર્ષ ૨૦૦૦ મા સૌપ્રથમ વખત સમતા પાર્ટી તરફથી ત્યારબાદ ૨૦૦૫ ના વર્ષમાં ભાજપ સાથે જોડાઈ ભાજપ તરફથી પાલિકામાં ચૂંટણી લડતાં ચૂંટાયા હતા. દરમિયાન કહેવાય છે કે, લગભગ ત્રણ વર્ષ બાદ પોતાના નૈતિક સિદ્ધાંતો અને આત્મ સન્માન ખાતર ચાલુ સદસ્ય પદેથી તથા પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતા ૨૦૦૮ ના વર્ષમાં ખાલી પડેલ એ બેઠક માટે પાલિકાની પેટા ચૂંટણી યોજાતા જેમાં તેમના પત્ની જીવીબેન અપક્ષ માથી જંગી મતો ની લીડ થી ચૂંટાઈ આવી ફરી એક વખત તેમણે તેમની લોકપ્રિયતા સાબિત કરી બતાવેલ હતી.
પેટા ચૂંટણી બાદ થોડા મહિનામાં જ ભાજપના અગ્રણીઓના આગ્રહથી પુનઃ સ્વમાનભેર ભાજપમાં જોડાયા બાદ વર્ષ ૨૦૧૦ ની પાલિકાની ચૂંટણી દરમિયાન પાલિકાના તમામ સિટિંગ સદસ્યો ની ટિકિટ કાપી, એકમાત્ર જીવીબેન ભોપાળા ને, તેઓની લોક ચાહના ને ધ્યાને લઈ ભાજપે રીપીટ કરેલ હતા. કહેવાય છે કે, આ એકમાત્ર વ્યક્તિના અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા ભાજપે સીટિંગ સદસ્યો ની એકી સાથે સગમટે ટિકિટ કાપી હોય તેવી કેશોદ ના ઇતિહાસ ની લગભગ આ સૌ પ્રથમ ઘટના હતી! જીવીબેને સતત ચાર ટર્મ દરમિયાન જુદા જુદા પદો નો કાર્યભાર સંભાળેલ છે. જેમાં તેઓને વર્ષ ૨૦૧૪ મા ત્રણ માસ માટે પ્રમુખ પદ ની તક મળેલ હતી. જ્યારે વર્ષ ૨૦૨૦ ની બીજી ટર્મમાં અઢી વર્ષ માટે ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે.
શ્રીમતી જીવીબેન ભોપાળા છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી લડતા હોય તાજેતરની ચૂંટણીમાં તેમના સ્થાને તેમના પરિવારના નજીકના સભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ભોપાળા નો અગ્રહ રાખતા ભાજપે તેઓને ટિકિટ આપેલ હતી. હાલ ચંદ્રિકાબેન પાલિકાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહેલ છે. લોકો કહે છે કે, અત્રેના વોર્ડ નંબર ૮ ને જાણે કે ‘‘હરેશભાઈ''ના નામ સાથે કોઈ ગાઢ સંબંધ હોય તેમ જોગાનુ જોગ તાજેતરમાં ચૂંટાયેલા ચંદ્રિકાબેન ના પતિ નું નામ પણ હરેશભાઈ છે. છેલ્લા ૨૬ વર્ષથી વોર્ડ નંબર ૮ માં પ્રત્યેક ચૂંટણીમાં હરેશભાઈ (સ્વ.હરદાસભાઈ) ના નામ નો ‘‘સિક્કો'' ચાલતો હોય તેવું જણાઈ રહેલ છે !
વર્ષોથી ભોપાળા પરિવારનો ગઢ મનાતા વોર્ડ નંબર આઠ ખાસ કરીને આયાતી ઉમેદવારો માટે સુરક્ષિત હોવાનું કહેવાય છે. અહીં આયાતી ઉમેદવારો પણ ભોપાળા પરિવારના નેતળત્વમાં સહેલાઈથી ચૂંટાઈ જાય છે. સ્વ. હરેશભાઈ તથા શ્રીમતી જીવીબેન ના પુત્ર ચિરાગ ભોપાળા હાલ જાહેર હિતના કાર્યોમાં અત્યંત સક્રિય અને અગ્રેસર છે. તેઓએ જીવીબેન ના પ્રતિનિધિ ઉપરાંત માણાવદર નગરપાલિકા ચૂંટણીના સહ પ્રભારી તરીકે ફરજ બજાવેલ છે. હાલ તેઓ ચંદ્રિકાબેન ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવે છે.
‘મોરના ઈંડા ચીતરવા ન પડે'' તે કહેવત સાર્થક થતી હોય તેમ ચિરાગ ભોપાળા એ નાની ઉંમરે પણ પોતાના વિસ્તાર ના લોકોનો વિશ્વાસ જાળવી રાખી ભોપાળા પરિવારનો દબદબો અકબંધ રાખેલ છે. તેઓએ સ્વ. હરદાસ ભાઇ મેસુરભાઈ ભોપાળા મેમોરિયલ સંચાલિત જન સેવા કાર્યાલય ની સ્થાપના કરી, આ વિસ્તારના લોકો માટે ઓનલાઇન અંગેની તમામ સેવા તદ્દન ફ્રી આપી રહ્યા છે. આ વિસ્તારના લોકોએ કોઈપણ પ્રકારની ફરિયાદ માટે નગર પાલિકા સુધી ધક્કો ખાવો ન પડે તે માટે વર્ષ ૨૦૧૯ થી તેઓએ ૧૨૦૦ મેમ્બરનું વ્હોટસએપ ગ્રુપ બનાવી તેના માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવે છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
