News of Tuesday, 20th October 2026
જામનગરના શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસનું અદ્યતન નવિનીકરણ, શરદપૂર્ણિમાએ લોકાર્પણ
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે ઉદ્ઘાટન, સાંસદ પૂનમબેન માડમ, મેયર સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦ : જામનગર શહેરની મધ્યમાં આવેલા અને સામાજિક-ધાર્મિક કાર્યો માટે ઉપયોગી શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસનું અદ્યતન સુવિધાઓ સાથે નવિનીકરણ પૂર્ણ થયું છે અને લોકાર્પણ માટે સજ્જ બન્યું છે.
સંસ્થાના પ્રમુખ ડો. જોગીનભાઈ જોષીના જણાવ્યા અનુસાર, ૧૯૬૫ થી કાર્યરત આ સંસ્થાના સંકુલનું છેલ્લા દોઢ વર્ષથી બદલાતા સમયની માંગ મુજબ નવિનીકરણ કરવામાં આવ્યું છે. જામનગરના લોકપ્રિય ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા દ્વારા ફાળવવામાં આવેલી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી વિશાળ ડોમ અને સી.સી. બ્લોકની કામગીરી કરવામાં આવી છે, જ્યારે અન્ય સેવાભાવી દાતાઓના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયું છે.
*લોકાર્પણ સમારોહ:*
આ નવનિર્મિત સંકુલનું લોકાર્પણ અને ઉદ્ઘાટન આગામી શરદપૂર્ણિમાના પાવન દિવસે તા. ૨૫-૧૦-૨૦૨૬, રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવશે.
આ ગરિમામય પ્રસંગે સંસ્થાને હરહંમેશ તન-મન-ધનથી ઉપયોગી થનારા વોર્ડ નં.૩ ના લોકપ્રિય કોર્પોરેટર, સંસ્થાના કારોબારી સભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી સુભાષભાઈ જોષીનું આ પ્રોજેક્ટમાં અમૂલ્ય યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવશે. સાથે જ મહત્વનું અનુદાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાશે.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને સાંસદ પૂનમબેન માડમ, અતિથિ વિશેષ તરીકે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી ઉપસ્થિત રહેશે.
સંસ્થાના આ સંકુલ માટેનું બુકિંગ તા. ૨૦ ઓક્ટોબર, દશેરાથી શરૂ કરવામાં આવશે, જે માટે સાંજે ૫ થી ૭ દરમિયાન સંસ્થાનો સંપર્ક કરી શકાશે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રમુખ ડો. જોગીનભાઈ જોષીની આગેવાનીમાં ઉપપ્રમુખ એડવોકેટ અતુલભાઈ શુક્લ, મંત્રી એડવોકેટ કશ્યપભાઈ ત્રિવેદી, ખજાનચી ઉપેનભાઈ વ્યાસ, કારોબારી સમિતિના સભ્યો અને મેનેજર કમલેશભાઈ શુક્લએ જહેમત ઉઠાવી છે. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે સચિનભાઈ વ્યાસે સેવા આપી છે.
આ પ્રસંગે સંસ્થાને અનુદાન આપનાર જાણીતા તબીબ પદ્મશ્રી ડો. કે. એમ. આચાર્ય, ભારદિયા ફાઉન્ડેશનના અમુભાઈ મારડિયા સહિતના અગ્રણી દાતાઓનું સન્માન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરાશે. આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા સંસ્થાના સભ્ય પરિવારોને સંચાલકોએ અનુરોધ કર્યો છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
