<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ગોંડલના મોટા દડવામાં વાડીમાં એલસીબી ત્રાટકીઃ વિદેશી દારૂ સાથે ૩ પકડાયા

કારમાંથી મકાનની ઓસરીમાં દારૂની હેરફેર ચાલતી'તીને દરોડો પડયોઃ દારૂ મંગાવનાર અને વાડી માલીકની શોધખોળ શરૂ કરાઇ

રાજકોટ તા. ૯ :.. ગોંડલના મોટા દડવા ગામે વિરનગર તરફ જવાના કાચા રસ્‍તે આવેલી વાડીમાં રાજકોટ ગ્રામ્‍ય એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી જસદણ અને એમ. પી. ના ત્રણ શખ્‍સોને પોણા લાખના દારૂ સહિત કુલ રૂા. ર.૮૮ લાખના મુદામાલ સાથે પકડી લઇ ફરાર બે શખ્‍સોની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ મોટા દડવા ગામની સીમમાં વિરનગર તરફ જવાના કાચા રસ્‍તે આવેલી અક્ષય બસીયાની વાડીમાં દારૂના જથ્‍થાની કારમાં હેરફેર થતી હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્‍ય એલસીબી પીઆઇ જે. પી. રાવની રાહબારીમાં એસઆઇ જયવીરસિંહ રાણા, હેડ કો. ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પેરોલ ફર્લો શાખાના એએસઆઇ અનિલભાઇ ગુજરાતી વિજયભાઇ ખડીયા સહિતનાં સ્‍ટાફે દરોડો પાડયો હતો. જયાં ખેતરમાં મકાનના બહારના ભોગ પાર્ક કારમાંથી ત્રણ શખ્‍સો દારૂની મકાનની ઓસરીમાં હેરફેર કરતા જોવા મળતાં પોલીસે ત્રણેયને પકડી પુછતાછ કરતા પોતાના નામ રાહુલ છગનભાઇ વાઘાણી (ઉ.વ.૩૧ રહે. શિવરાજપુર, તા. જસદણ), મુકેશ ચીનકાભાઇ તોમર (ઉ.વ.૩૦) અને પ્રવિણ સેવલાભાઇ તોમર (ઉ.વ.ર૭) ને રહે. બંને અમ્‍બદાબેરી ડામરી ફળીયુ, તા. ચાંદપુર, જી. અલીરાજપુર, એમ.પી.) હોવાનું જણાવ્‍યું હતું.

પોલીસે તપાસ કરતા મકાનમાંથી અને કારમાંથી રૂા. ૭૩,૪૪૦ ની કિંમતની દારૂની ૪૩ર બોટલ મળી આવતાં દારૂ, કાર અને ત્રણ ફોન મળી કુલ રૂા. ર,૮૮,૪૪૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ તપાસમાં દારૂનો જથ્‍થો ધરમ કાઠી (રહે. મોટા દડવા, તા. ગોંડલ)એ મંગાવ્‍યાનું અને તેણે બાઇક સાથે પાયલોટીંગ કરી અક્ષય સોમકુભાઇ બસીયા (રહે. મોટા દડવા)ના ખેતરમાં મકાનમાં રાખવાનું કહ્યું હતું. હાલ પોલીસે ફરાર ધરમ અને અક્ષયની શોધખોળ શરૂ કરી છે.

 

(1:27 PM IST)