<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

જૂનાગઢના મેંદરડાના દાત્રાણા ગામે દીપડાની આતંક :ખેતરમાં રમી રહેલા પરપ્રાંતિય શ્રમિકના 6 વર્ષના બાળક શિવરાજને ઉઠાવી ગયો

માસુમ બાળકનો બાદમાં મૃતદેહ મળ્યો:શિકાર કરી ભાગતી વખતે દીપડાએ બાઇક સવાર દંપતીને પણ અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી:વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા હેઠળ આવતા દાત્રાણા ગામે દિવાળીના પવિત્ર તહેવારની રાત્રે જ એક અત્યંત કરુણ અને ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક ખૂંખાર દીપડાએ એક જ રાતમાં બે-બે ઘટનાઓને અંજામ આપીને સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને દહેશત ફેલાવી દીધી છે.

રોડ ટચ ખેતરમાં રમી રહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારના 6 વર્ષના માસૂમ બાળક શિવરાજ પર દીપડાએ અચાનક ત્રાટકીને તેને ગળેથી ઊંચકી લીધો હતો. બાળક ની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટો અને ટોર્ચ ચાલુ કરી દીપડા પાછળ દોડીને બૂમાબૂમ કરી હતી. ગ્રામજનોના ઘેરાવા અને લાઈટોના કારણે દીપડો બાળકને આશરે 100 ફૂટ દૂર ખેતર અને રસ્તા વચ્ચેના ખાડામાં છોડીને ભાગી છૂટ્યો હતો, પરંતુ કમનસીબે માસૂમ શિવરાજનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.

બાળકનો શિકાર કર્યા બાદ લોહીતરસ્યો દીપડો સીન પરથી ભાગી રહ્યો હતો ત્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલા આલીધ્રા ગામના દંપતી ચંદુભાઈ અને રમાબેનની બાઇક સાથે અથડાયો હતો. દીપડાની અડફેટે આવતાં બાઇક પરથી પટકાયેલા રમાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે ચંદુભાઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા. અફરાતફરીના માહોલ વચ્ચે ઈજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તહેવારના દિવસે જ બનેલી આ ભયાનક ઘટના બાદ સ્થાનિક લોકોમાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગની ટીમે દાત્રાણા-બગડૂ હાઇવે નજીકના વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરી છે.

(1:38 PM IST)