<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જૂનાગઢમાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા

વાતાવરણમાં પલટો આવવાની સાથે ઠંડક પ્રસરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૫: જૂનાગઢમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા હળવાથી ભારે વરસાદના ઝાપટા શરૂ થયા છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આ વર્ષે જુનાગઢ સહિત સોરઠમાં ચોમાસુ મોડુ શરૂ થયું છે અને ચોમાસાના સત્તાવાર પ્રારંભના ૧૫ દિવસ બાદ એટલે કે પહેલી જુલાઈએ મેઘરાજાની પધરામણી થઈ હતી સતત ચાર દિવસ મેઘરાજાએ વહાલ વરસાવીને ખેડૂતો સહિતના લોકોને ખુશ કરી દીધા હતા.

પરંતુ આ પછી મેઘરાજાએ મોઢું ફેરવી લેતા ધરતીપુત્રોના જીવ ઉચક થઈ ગયા હતા આ દરમિયાન ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા શરૂ થયેલા વરસાદના ઝાપટા આજે પણ ચાલુ રહેતા દિવસ દરમિયાન મેઘરાજા ભારે જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આજે વહેલી સવારે જોરદાર ઝાપટુ વરસી જતા શહેરમાં રસ્‍તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. આ પછી ફરીથી સવારે આઠ વાગ્‍યે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. વહેલી સવારની માફક કરી જોરદાર મહેર થઈ હતી અને વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું.

અત્‍યારે પણ વાદળછાયું વાતાવરણ હોવાથી દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ ચાલુ રહે તેવી શકયતા જોવાઈ રહી છે.

(1:37 PM IST)