તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
હાથલામાં શનૈશ્વરી અમાસની ઉજવણી : દર્શન માટે ભકતો ઉમટયા
શનિવાર અને અમાસનો આજે પવિત્ર સંયોગ : શનિદેવને રીઝવવા દર્શન અને દાન-પુણ્યનું મહત્વ : પનોતી દરમિયાન શનિદેવના જન્મસ્થળ હાથલામાં શનિકુંડમાં સ્નાન કરીને આ સ્થળે ચંપલ-બુટ ઉતારી નાખવાની કષ્ટ દુર થાય તેવી ભકતોમાં શ્રધ્ધા : તમે જે કર્મ કરેલ હોય અને પનોતી ચાલતી હોય તે દરમિયાન શનિદેવના દર્શન-પુજા કરવાથી તેનું ફળ મળે છે, સારૂ કર્મ કર્યુ હોય તો સારૂ ફળ અને ખરાબ કર્મ કર્યુ હોય તો ખરાબ ફળ મળે છે

હાથલા શનિદેવ મંદીરે દર્શન માટે લાઇન : આદિત્યાણા : હાથલા શનિદેવ મંદીરે શનૈશ્વરી અમાસે દર્શન માટે લાઇનો લાગી છે. તસ્વીરમાં શનિદેવના દર્શન તથા ભકતોની લાઇનો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રકાશ પંડીત-આદિત્યાણા)
(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા, તા., ૧૦: ન્યાયના દેવતા શનિદેવના જન્મસ્થળ પોરબંદર પાસેના હાથલામાં આજે શનિવાર અને અમાસના પવિત્ર સંયોગથી વહેલી સવારથી ભકતો દર્શન માટે ઉમટી પડયા છે.
આજે શનિવાર અને અમાસનો સંયોગ એટલે શનૈશ્વરી અમાસ. આજે દેવભુમી દ્વારકાના હાથલા ગામે શનિદેવ મંદીરે વહેલી સવારથી ભકતો ઉમટી રહયા છે.
શનિદેવ એવા દેવ છે કે જે તમોએ કર્મ કરેલ હોય તેનું ફળ શનિદેવની પનોતી ચાલતી હોય તે દરમ્યાન મળે છે. સારૂ કર્મ કરેલ હોય તો સારૂ ફળ મળે છે અને ખરાબ કર્મ કરેલ હોય તો ખરાબ ફળ મળે છે.
જેને ગોચરમાં શનિ ગ્રહ ચોથા અને આઠમાં સ્થાને ચાલતો હોય તેને નાની પનોતી કહેવાય અને જયારે બારમે, પહેલા અને બીજા સ્થાનમાં શનિ ગ્રહ હોય તો મોટી પનોતી સાડાસાતી પનોતી કહેવાય છે. નાની પનોતી અઢી વર્ષ ચાલે છે.
આ નાની કે મોટી પનોતી દરમ્યાન કોઇ પણ તકલીફમાં પસાર થતા હોય ત્યારે હાથલા શનિદેવ મંદીરે દર્શન કરી શનિકુંડમાં સ્નાન કરી અને ત્યાં (ચપલ, બુટ) ઉતારી નાખવામાં આવે તો શનિદેવ કષ્ટ દુર કરે છે તેવુ જયોતીષકારો કહે છે. બુટ-ચપલ જે કાયમી પહેરતા હોય તે ઉતારીને છોડવાના હોય છે. આ શનિદેવ મંદીરે જે શનિકુંડ આવેલ છે તેનું પણ અનન્ય મહત્વ છે.
આ કુંડમાં ગમે તેવા દુષ્કાળમાં પણ પાણી સુકાતુ નથી. આજના દિવસે મંદીરે ટ્રેકટર ભરાય તેટલા બુટ-ચપ્પલ લોકો છોડી જાય છે અને આ છોડવામાં આવેલ બુટ, ચપ્પલ, કપડા જરૂરીયાતમંદોને આપવામાં આવે છે.
આજના દિવસે શનિદેવને લોખંડની વસ્તુ, સરસવનું તેલ, કાળા તલ, ગોળ, કાળુ કપડુ, કાળુ સુતર, પેંડા વિગેરે ધરવામાં આવે છે.
શનિદેવને રીઝવવા માટે દાન-પુણ્યનું ખાસ મહત્વ છે. આજના દિવસે શનૈશ્વરી અમાસના તેમજ કાયમી દાન કરવાથી પનોતીની અસરમાં ઘટાડો થાય છે. વૃધ્ધો, અશકત, અંધ, અપંગ, નિરાધાર લોકોની સેવા કરવાથી અને દાન કરવાથી પનોતીનું ખરાબ ફળ મળતુ નથી. ખાસ તો મા-બાપની સેવા કરવી એ જ ઉતમ ફળ ગણાય છે.
હાથલા શનિદેવ મંદીરનું વિશેષ મહત્વ તો એ છે કે બાળકોથી માંડી વૃધ્ધો, મહિલાઓ પણ શનિદેવના નિજ મંદીરમાં જઇ પુજા કરી શકે છે. શનિદેવની પનોતી આવતી હોય તેવા લોકો દરરોજ પીપળાને પાણી રેડી પુજા કરે છે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ઓમ શં. શનેશ્વરાયે નમઃ મંત્રના જાણ કરતા કરતા નવ પ્રદક્ષીણા કરે તો વિશેષ ફાયદો થાય તેવું જાણકારો કહે છે.
હાથલા શનિદેવ મંદીર બહાર શનિકુંડમાં સ્નાન કરવુ એ પણ ખાસ મહત્વનું છે. તેમાં પણ મામા-ભાણેજને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવી ભાણેજને શણગારે તો શનિદેવની પનોતી નજીક આવતી નથી કે ખરાબ ફળ આપતી નથી એટલે શનિદેવની પનોતી ચાલતી હોય તેવા લોકો શનિદેવ દર્શન કરવા જાય ત્યારે પોતાના ભાણેજને પણ સાથે લઇ જાય તેનું ખાસ મહત્વ રહેલું છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
