<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રાજુલાના નવી બારપટોળી નજીક બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન સિંહે હુમલો કર્યો : ફોરેસ્ટરની રિવોલ્વર અને 6 કારતૂસ પણ ગુમ: ખળભળાટ

ફોરેસ્ટર એમ.જે. ખાવડીયા અને ટ્રેકર્સ ભરત જોગદીયા ઈજાગ્રસ્ત થયા :ભરત જોગદીયાને ગંભીર ઈજા થતાં ભાવનગર ખસેડાયા: હુમલા બાદ સિંહ નાસી છૂટ્યો હોવાથી મેગા સર્ચ ઓપરેશન

અમરેલીના રાજુલા તાલુકાના નવી બારપટોળી નજીક વાડી વિસ્તારમાં બીમાર સિંહને રેસ્ક્યૂ કરવાની કામગીરી દરમિયાન વનવિભાગની ટીમ પર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સિંહના હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડીયા અને ટ્રેકર્સ ભરત જોગદીયા ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ નવી બારપટોળી નજીક વાડી વિસ્તારમાં ગત રાત્રે બીમાર સિંહ હોવાની માહિતી બાદ વનવિભાગની ટીમ દ્વારા તેને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સિંહે અચાનક ફોરેસ્ટર અને ટ્રેકર્સ પર હુમલો કરી દીધો હતો. ઘટનાને પગલે રેસ્ક્યૂ ઓપરેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

સિંહના હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડીયા અને ટ્રેકર્સ ભરત જોગદીયા ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ભરત જોગદીયાને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

હુમલો કર્યા બાદ સિંહ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શેત્રુંજી DCF ચિરાગ અમીન અને ACF રાજન જાદવ સહિતની વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સિંહને શોધી પકડવા માટે આખી રાતથી વહેલી સવાર સુધી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સિંહ પકડાયો ન હોવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

 

સિંહના હુમલા દરમિયાન ફોરેસ્ટર એમ.જે. ખાવડીયાની પ્રાઈવેટ રિવોલ્વર પણ પડી ગઈ છે. રિવોલ્વર સાથે છ કારતૂસ પણ પડી જતાં વનવિભાગની ટીમમાં વધુ દોડધામ મચી હતી. સમગ્ર મામલે રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા રિવોલ્વર તથા કારતૂસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

 

સિંહ સંરક્ષણ અને રેસ્ક્યૂ કામગીરી દરમિયાન વનવિભાગના કર્મચારીઓ અને ટ્રેકર્સને અનેક વખત જોખમી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આ ઘટનામાં પણ બીમાર સિંહને બચાવવાની કામગીરી દરમિયાન જ ટીમ પર હુમલો થયો છે. હાલ સિંહની શોધખોળ અને વિસ્તારની સ્થિતિ પર વનવિભાગની ટીમ નજર રાખી રહી છે.

 

(4:57 PM IST)