તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
અમરેલીમાં માલગાડીની અડફેટે સિંહ ઘાયલ: 60-70 કિમીની ઝડપે દોડતી ટ્રેન નીચે પૂંછડી કપાઈ, વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ
પીપાવાવ પોર્ટ તરફ જતા રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ઘાયલ સિંહ જંગલ તરફ નાસી છૂટતા વન વિભાગની ટીમો ખડેપગે, લોકો પાઈલોટની બેદરકારી સામે સવાલો

અમરેલી / રાજુલા તા.૨૨ : અમરેલી જિલ્લામાં વધુ એક વખત વન્યપ્રાણી અને રેલવે ટ્રેક વચ્ચેનો સંઘર્ષ સામે આવ્યો છે. જિલ્લાના રાજુલા તાલુકા નજીક માલગાડીની અડફેટે આવતા એક સિંહ ગંભીર રીતે ઘાયલ થયો છે. પૂંઝડી કપાઈ ગયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના સમયે પીપાવાવ પોર્ટને જોડતા રેલવે ટ્રેક પર 60 થી 70 કિમીની ઝડપે માલગાડી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટ્રેક ક્રોસ કરી રહેલા સિંહને ટ્રેનના એન્જિન ડ્રાઈવરે જોયો હતો. બ્રેક મારે તે પહેલા જ સિંહ ટ્રેનની અડફેટે આવી ગયો હતો અને તેની પૂંછડીનો ભાગ કપાઈ ગયો હતો.
અકસ્માત બાદ ઘાયલ સિંહ જંગલ ઝાડીમાં નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ માલગાડીના લોકો પાઇલટે તાત્કાલિક વન વિભાગને કરી હતી.
ઘટનાની જાણ થતા જ રાજુલા રેન્જના આરએફઓ સહિત વન વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગ દ્વારા ઘાયલ સિંહને શોધવા અને તેને સારવાર આપવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટ્રેકની આસપાસના વિસ્તારમાં પગના નિશાનના આધારે સિંહની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાનો આ 35 કિમીનો પીપાવાવ - રાજુલા રેલવે રૂટ ગીર જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં આવે છે, પરંતુ હવે સિંહોએ આ વિસ્તારને પોતાનો કાયમી રહેઠાણ બનાવી લીધો છે. આ પહેલા પણ અનેક વખત સિંહોના ટ્રેનની અડફેટે આવવાના બનાવો બન્યા છે. 2021 માં તાઉ-તે વાવાઝોડા બાદ ટ્રેક ફરતે લગાવેલી ફેન્સીંગ અને વોચ ટાવરોને નુકસાન થયું હતું, જેનું સમારકામ હજુ પણ અધૂરું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વન વિભાગે રેલવે તંત્રને ટ્રેનની સ્પીડ ઘટાડવા અને સિંહોની અવરજવર વધુ હોય તેવા સમયે ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે. હાલ ઘાયલ સિંહને શોધી તેને સક્કરબાગ ઝૂ ખાતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
