<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

જુનાગઢના ઉપલા દાતારના ડુંગરે સિંહોની મસ્‍તીઃ યાત્રિકોને નુકસાન નહીં: સીડી-ગૌશાળામાં અવારનવાર આંટાફેરા

સિંહનું ગ્રુપ યાત્રિકોને પરેશાન કરતું નથી, વન વિભાગના હાકલાથી પરત ફરે છે જંગલમાં: જગ્‍યાના મહંત શ્રી ભીમ બાપુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૦: જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ઉપલા દાતારની જગ્‍યા ઉપર અવારનવાર સિંહોનું એક ગ્રુપ જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ સિંહો કોઈપણ યાત્રિકને રંજાડતા નથી અને પોતાની મસ્‍તીમાં મસ્‍ત રહીને દાતારની સીડી ઉપર તથા જંગલમાં આંટાફેરા મારતા નજરે પડે છે.

દાતારની ૩૦૦૦ પગથિયાંની સીડી ઉપર આવેલી આ ધાર્મિક જગ્‍યાના મહંત શ્રી ભીમ બાપુએ પણ પ્રતીતિ આપતા જણાવ્‍યું હતું કે અહીં સિંહોનું એક ગ્રુપ અવાર-નવાર આવી ચડે છે, પરંતુ કોઈપણ યાત્રિકને હેરાન કે પરેશાન કરતા નથી. સિંહો પોતાની મસ્‍તીમાં રહીને દાતારની જગ્‍યાથી બસો પગથિયાં નીચે આવેલી ગૌશાળામાં પણ અવારનવાર જોવા મળે છે.

ભાવિકોએ સિંહ પરિવાર સાથે દાતારની સીડી ઉપર મોજ-મસ્‍તી કરતા સિંહોના અસંખ્‍ય વિડીયો પણ બનાવ્‍યા છે. જ્‍યારે પણ સિંહ આવ્‍યાના સમાચાર મળે અને વન વિભાગને જાણ કરવામાં આવે ત્‍યારે વન વિભાગનો સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી જાય છે. વન વિભાગનો સ્‍ટાફ પણ આ સિંહો પ્રત્‍યે એટલી લાગણી ધરાવે છે કે માત્ર હાકલા-પડકાર કરવાથી જ સિંહો શાંતિથી જંગલમાં પરત પ્રસ્‍થાન કરી જાય છે.

અત્‍યાર સુધીમાં દાતારના ડુંગર ઉપર આવતા આ સિંહોએ કોઈપણ યાત્રિક ઉપર હુમલો કર્યો નથી કે કોઈ જાતનું નુકસાન પહોંચાડ્‍યું નથી. સ્‍થાનિકો અને ભાવિકોમાં આ સિંહો દાતાર દાદાની કળપા માનવામાં આવે છે.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)

(11:22 AM IST)