તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં ખુલ્લેઆમ સિંહોની લટાર: વાયરલ વીડિયોથી પ્રવાસીઓમાં ભારે દહેશત
ગુરુ ગોરખનાથ આશ્રમ અને લાખા કોઠા પાસે વનરાજના આંટાફેરા કેમેરામાં કેદ, વન વિભાગ દ્વારા પેટ્રોલીંગ વધારાયું

જૂનાગઢ : ગિરનારની ગોદમાં વસેલા પવિત્ર યાત્રાધામ જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વનરાજના આટાફેરા નોંધપાત્ર રીતે વધી ગયા છે. ભવનાથ તળેટીના જાહેર રસ્તાઓ પર સિંહોની મુક્તપણે અવરજ્વર વધતા સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ અને યાત્રાળુઓમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભવનાથ સ્થિત ગુરુ ગોરખનાથ આશ્રમ નજીક બે સિંહો અચાનક જાહેર રસ્તા પર આવી ચડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વીડિયો સામે આવ્યા છે, જેમાં બે સિંહો રસ્તા પરથી પસાર થતી એક ગાય પાછળ ઝડપથી દોડ મુકતા સ્પષ્ટ દૃશ્યમાન થાય છે. આ ઉપરાંત, તળેટી વિસ્તારના લાખા કોઠા પાસે પણ વધુ બે સિંહો મુક્તપણે લટાર મારતા નજરે પડ્યા હતા. આ સિંહો રસ્તા પરથી પસાર થઈને બાદમાં નજીકના જંગલ વિસ્તાર તરફ ચાલ્યા ગયા હોવાનું જોવામાં આવ્યું છે.
વનવિભાગના નિષ્ણાતો અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગીર જંગલ વિસ્તારમાંથી સિંહો ખોરાક અને પાણીની શોધમાં રેવન્યુ વિસ્તાર તરફ આવી પહોંચે છે. ચોમાસા અને શિયાળાના સંક્રાંતિ કાળ દરમિયાન અથવા જંગલમાં શિકારની શોધમાં સિંહો અવારનવાર તળેટી વિસ્તાર સુધી આવી પહોંચતા હોય છે. ભવનાથ વિસ્તાર જંગલની સરહદને અડીને આવેલો હોવાથી અહીં સિંહો આવી ચડવું સ્વાભાવિક છે, પરંતુ જાહેર રસ્તાઓ પર તેમની સક્રિયતા વધતા સુરક્ષા અંગેના પ્રશ્નો ઊભા થયા છે.
તળેટી વિસ્તારમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, જેના કારણે લોકોમાં વ્યાપેલો ભય સ્વાભાવિક છે. સ્થાનિક લોકો તથા પ્રવાસીઓએ સુરક્ષાના ભાગરૂપે રાત્રિના સમયે એકલા અવરજ્વર ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, બનાવની જાણ થતાં જ વનવિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે અને સિંહો ફરી માનવ વસવાટ તરફ ન આવે તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
