News of Thursday, 28th May 2026
માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં દારૂની હેરાફેરીઃ ૬૬.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત
મજેઠી ચેકપોસ્ટ પાસે કન્ટેનરમાંથી ૨૯૫૨ બોટલ દારૂ અને ૧૬૭૦૪ બીયર મળ્યાઃ રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, મોકલનાર અને મંગાવનારની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૮: સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા ચાલતી ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસે માલવણ-વિરમગામ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મજેઠી ચેકપોસ્ટ નજીક ચોખાના ભુસાના કોથળાની આડમાં સંતાડીને લઈ જવાતો લાખોનો દારૂ કન્ટેનર ટ્રકમાંથી મળી આવ્યો હતો.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.એ. રાયમાની ટીમે કરેલી કાર્યવાહીમાં ટ્રકમાંથી રૂ.૪૧.૧૩ લાખની કિંમતની ૨,૯૫૨ કાચની શીલબંધ દારૂની બોટલો અને ૧૬,૭૦૪ બીયર ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત રૂ.૨૫ લાખની કિંમતનો ટાટા કંપનીનો ટ્રક, રૂ.૧૦,૦૦૦ના બે મોબાઈલ ફોન અને રૂ.૧,૫૦૦ના ૧૫૦ ચોખાના ભુસાના કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મુદ્દામાલ રૂ.૬૬.૨૪ લાખથી વધુનો છે.
આ કેસમાં હાફીદખાન તૈયબખાન પઠાણ (રહે. દેવપુરા પરાડીયા, તા. ચૌહટન, જિ.બાડમેર, રાજસ્થાન) નામના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મોકલનાર ઉત્તમ કુમાર, ટ્રકના માલિક, દારૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સતત વોચ રાખી આ સફળતા મેળવાઈ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
