તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
નખત્રાણા પંથકમાં રૂ. ૪૮ લાખનો દારૂ જપ્ત
પશ્ચિમ કચ્છ એલસીબીનો સતત બીજે દિ' ધડાકો : દારૂના કટિંગ સમયે જ વડવા કાંયા ગામ પાસે બાવળની ઝાડીઓ પાસેથી જથ્થો ઝડપાયો, પંજાબથી કચ્છ સુધી દારૂ લાવનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩: પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ નખત્રાણા પોલીસ સ્ટેશન હદમાં વડવા કાંયા ગામ નજીક બાવળોની ઝાડીઓમાં પ્રોહિબિશન અંગે રેડ કરી રૂ. ૫૮.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સતારખાન રમજાનખાન પઠાણ, રહે. ગાગરીયા, તા. રામસર, જી. બાડમેર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે જીતુભા મંગળસિંહ સોઢા, સફેદ સ્વીફ્ટ કારનો ચાલક/માલિક, મોટરસાઇકલ ચાલક/માલિક, શકુરખાન નવાબખાન અને અકબરખાન સહિતના ઇસમોને પકડવાના બાકી છે.
રેડ દરમિયાન ૭,૭૪૦ બોટલ IMFL, કિંમત રૂ. ૩૮,૫૨,૭૬૮, તેમજ ૭,૬૮૦ બીયરના ટીન, કિંમત રૂ. ૯,૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૪૮,૧૨,૭૬૮નો દારૂ જપ્ત કરાયો હતો. આ ઉપરાંત ટાટા ટ્રક જીજે-૧૮-એએકસ-૬૧૮૬ (રૂ. ૧૦ લાખ), મોટરસાઇકલ જીજે-૧૨-ઇઝી-૦૬૭૯ (રૂ. ૨૦ હજાર) અને મોબાઇલ ફોન (રૂ. ૫ હજાર) મળી કુલ જપ્ત મુદ્દામાલની કિંમત રૂ. ૫૮,૩૭,૭૬૮ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પંજાબથી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન મારફતે ગુજરાતમાં પ્રવેશ્યો હતો અને ભુજ થઈ નખત્રાણા ખાતે દારૂનો જથ્થો પહોંચાડવા આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પશ્વિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન તળે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને એલસીબી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
