News of Sunday, 26th April 2026
ગોંડલ શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: બપોરે 1:00 વાગ્યા સુધીમાં નગરપાલિકામાં 27.78% મતદાન નોંધાયું
શહેરના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલ, સવારથી મતદારોમાં ઉત્સાહ; યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ નિભાવી લોકશાહીની ફરજ

ગોંડલ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ગોંડલ શહેરમાં રવિવારે બપોરે 1:00 વાગ્યા સુધીમાં 27.78% મતદાન નોંધાયું છે. શહેરના તમામ મતદાન મથકો પર સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી.
ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે શહેરીજનોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવા મતદારો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા માટે ઉત્સાહભેર મતદાન મથકે પહોંચ્યા હતા. ગરમી હોવા છતાં મતદારોએ લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નાગરિક ફરજ નિભાવી હતી.
શહેરના તમામ મતદાન મથકો પર પોલીસ અને ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્યાંયથી કોઈ અનિચ્છનીય બનાવના અહેવાલ નથી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો અને આગેવાનો પણ મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે અને મતદારોને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે, ત્યારબાદ અંતિમ ટકાવારી જાહેર થશે. બપોર બાદ મતદાનની ટકાવારીમાં વધારો થવાની સંભાવના છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
